ગઇ કાલથી વિચાર કરું છું કે શું લખું ? આમ શાળાની સારી નરસી બાબતો મને શાળાના પેજ PM SHRI IshanPur Public School 2 ના પેજ પર લખવાની આદત છે કારણ Hemant Panchal નું અસ્તીત્વ જ આ શાળાથી છે. પણ આજે વાત જરા લાંબી કરવી છે તો એમ થયું ચાલ લાંબા સમય બાદ બ્લોગ પર ફરી આવું. ગઇ કાલે અમે શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2024 નું આયોજન કરેલું. આયોજનની કદાચ મારી કલ્પના જેટલી સફળતા રહી એવું મને લાગે છે.
કાર્યક્રમ માટે મનમાં હતું કે સ્કૂલ બોર્ડના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી આવીને અમારા બાલ્યાવશ પ્રયત્નો જુએ. આમંત્રણ આપવા પહેલા અમે સ્કૂલ બોર્ડના સન્માનનીય શાસનાધિકારી સરને મળ્યા. સરને શાળા માટે લાગણી અને સ્નેહ છે જ તે અમે પ્રત્યક્ષ અનુભવ કર્યો. જેવો મંજૂરી માટે પત્ર આપ્યો ક્ષણ માત્ર વિચાર કર્યા વગર કહે સરસ આયોજન કરો. અમે કહ્યુ સર આપે આવવાનું છે પછી સમગ્ર રૂપરેખા જોઇ અને કહ્યું કે હું ચોક્કસ આવીશ. સર આમત્રણ પત્રિકામાં સ્કૂલ બોર્ડના સન્માનનીય ચેરમેન સર, વાઇસ ચેરમેન સર અને આપને રાખીને અમારે આયોજન કરવું છે. તો કહે કરો. અગ્રીમ શુભેચ્છાઓ. એક અધિકારી આટલા સરળ હોઇ શકે તે ખરેખર અમારા શાસનાધિકારીશ્રી ડો. એલ.ડી. દેસાઇ સરને મળ્યા પછી જ કહી શકો.
આગળ સન્માનનીય ચેરમેન સર પાસે જવાનું થયું. મને હતું જ કે સર પાસે અનેક કામ છે તો સમય મળે કે નહિ ? શંકાઓ મનમાં હતી પણ તેઓ આવે એવો મનમાં આગ્રહ નક્કી હતો. સર ઓફિસથી મિટીંગ તરફ જતા હતા ત્યાં મને 2 મિનીટ મળવા સમય મળ્યો. હું કલ્પના પણ ન કરી શકું કે તેમને સમગ્ર કાર્યક્રમ વિશે ચર્ચા કરી. અને ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હું ચોક્કસ આવીશ, તમે તૈયારી કરો. બસ બાળકોને આનંદ રહે તેવું આયોજન કરજો. બાળકોને શીખવા મળે તેમ કરજો. હર્ષ મારા મનમાં એટલો હતો કે તે વર્ણન કરવા મારી શક્તિ ઓછી છે.
સન્માનનીય વાઇસ ચેરમેન સરને મળવાનું હતું કારણ તેમની મંજૂરી બાકી. નવાઇની વાત એ છે કે તેમને એમ કહ્યું કે મને રૂબરૂ નહિ મળો તો ચાલશે તમે તૈયારી કરો બાળકોનો કાર્યક્રમ હોય અને હું ન આવું એ નહિ બને. મારે તમારી તૈયારીનો સમય ઓછો કરવો નથી. તમે તૈયારી કરો હું આવીશ.
સ્કૂલ બોર્ડના નાયબ શાસનાધિકારી શ્રી પરિમલભાઇ પટેલ સાહેબને મળ્યા. સરે ખુબ સુદર ચર્ચા કરી, આયોજન સાંભળ્યું અને તેને સફળ બનાવવા શું કરવું જોઇએ તેવું સચોટ માર્ગદર્શન કર્યું. શું કરશો, કેટલા બાળકો ભાગ લેશે, સમય શું હશે, કૃતિ કેવી હશે અનેક બાબતે રસપૂર્વક સમજ આપી. સાથે કાર્યક્રમમાં આવવાની મંજૂરી આપી અને તૈયારી કરવા સમજ અને માર્ગદર્શન આપ્યું.
ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી જુયદેશ દુબે સર સતત અમારી સાથે રહ્યા.
હવે તારીખ નક્કી પણ તૈયારી કરવાની હતા કારણ છેલ્લા વર્ષોમાં કરેલી મહેનત અમારે સમાજ સુધી લઇ જવાની હતી. આજે હું વિચાર કરું છુ તો સમજ આવે છે કે આ સફળતા ખાલી 30-01-2024 ના દિવસે થયેલ કાર્યક્રમની જ નથી પણ તે માટે છેલ્લા 20 દિવસથી થઇ રહેેલા પ્રયત્નો છે. અને આજે મારે એ જ વાત કરવી છે.
PM SHRI અંતર્ગત પસંદ થયેલ શાળામાં કાર્યક્રમ કરવાનો પણ અમારા એક કંપાઉન્ડમાં બે શાળા બેસે. બન્ને શાળાનો કુલ સ્ટાફ 66 શિક્ષકો છીએ. સવારના મુખ્ય શિક્ષકશ્રી વિરાભાઇ પટેલિયા સર અને બપોરમાં મારે સંભાળવાનું. વિરાભાઇ સાહેબ અનુભવી અને કહે કે હેમંતભાઇ સમય ઓછો છે અને વેશ ઝાઝા છે તૈયારી કરવી પડશે... મારી શક્તિ વધી ગઇ. એ દિવસે તો સરની મંજૂરી જ મળેલી કે અમે આવીશું તમે તૈયારી કરો. બન્ને બેઠા કે શું શું કરવુ... આયોજન કર્યું અને કામની શરૂઆત કરી. વિનમ્રભાવે હું એમનો પહેલા આભાર પ્રગટ કરીશ કારણ કે એ સવારે 7.00 વાગે શાળામાં આવે અને સાંજે છેક 8.00 વાગે ઘરે જાય. અમે સાથે જમી લઇએ એ પણ જે સેટ થાય તે. શાળામાં કંપોસ્ટ ખાતરની વ્યવસ્થાથી શરૂઆત કરી. ઇંટ ઉંચકવાથી લઇ કાર્યક્રમના દિવસે સ્ટેજ પાછળ રહેવાનું આ તેમનો સ્વભાવ વંદનને પાત્ર છે. સર આપ આગળ આવો તો કહે તમે છો જ ને હું અહી વ્યવસ્થા જોઇ લઉ. તેમની નિષ્ઠાને હું વંદન કરુ છું.
બન્ને વિચાર કરીએ ત્યાં અમારી શક્તિ અમારો શાળા પરિવાર તૈયાર. બહેનો કહે વર્ગ અમે સંભાળીએ ભાઇઓ બહાર કામ કરે છે. એક કિચન ગાર્ડન લઇને બેસે, બીજા બગીચાને પાળી કરાવવા, ત્રીજી ટીમ પિરામિડ કરાવે તો ચોથી સાસ્કૃતિક કાર્યક્રમ, પાંચમી કૃતિ તૈયાર કરાવે તો છઠ્ઠી સફાઇ સંભાળે, સાતમી ખરીદી કરે તો આઠમી ખૂટતી સામગ્રી ભેગી કરે... કોનું નામ લઉ અને કોનું ચુકુ ખરેખર મારી સમજ બહાર છે. રવિવાર હોય તે રજા સૌ હાજર. વિરાભાઇની ડ્યુટિ તો 24 કલાક... જેમ જેમ દિવસો નજીક આવતા જાય તેમ તેમ કામ વધતા જ જાય. મંગળવારે કાર્યક્રમ મને એમ કે હવે બધું થઇ ગયું તો ધર્મેન્દ્રભાઇ આવ્યા ને કહે સાહેબ તમને જે લાગે એ પણ હું કાલે આવીશ અને બાકીનું કામ કરાવી દઇશ. મને એમ કે હવે શું કામ બાકી છે ? તો કહે મારે આવવાનું છે અને બાકીનું કામ પૂરૂ કરવાનું જ છે. હું એકલો આવીશ... મારી તો છાતી ફૂલવા લાગી. ત્યારે મે મેસેજ કર્યો કે જેની પાસે અનુકુળતા હોય એ રવિવારે શાળાએ આવે. કમાલની વાત છે કે વિક્રમસિંહ, કેતનભાઇ, સમીરભાઇ કહે અમે આવીશું. આનંદ એ હતો કે ફાલ્ગુનીબેનની તો તૈયારી હતી જ કે બાળકોને તૈયારી માટે બોલાવવાના જ છે. તો કહે તમે આવો કે ન આવો અમે આવીશું જ. હંસાબેન, દર્શનાબેન, નીરૂબેન, સ્મિતાબેન, કલ્પનાબેન કહે અમે આવીશું. મને તો ત્યાં સુધી એમ હતું કે કામ કશું બાકી નથી તો આ બધા શા માટે આવવા કહે છે....
રવિવારની સવાર પડી ને ધર્મેન્દ્રભાઇનો કોલ આવ્યો બરાબર 8:13 મિનીટે હું તો માંડ જાગેલો. કહે હું તમારા ફ્લેટ નીચે આવી ગયો છું મારે એમને કહેવુ જ શું... એવામાં કોલ આવ્યો રમેશભાઇનો કે સાહેબ મારે આજે ઘરના લગ્ન છે પણ શાળાએ આવવાનું મન છે માંડ ના કહી સમજાવ્યા ત્યાં નયનેશ સર કહે હું નથી આવી શકતો એ મને જરાપણ ગમતુ નથી પણ એમના પોતાના ઘરનું કામ ચાલતું હતું તો શૈલેષભાઇ કહે ગુરૂ હું હિંમતનગર છું આવી શકું તેમ નથી. અશોકભાઇ પહેલેથી રજા પર.... ફટાફટ તૈયાર થયો અને બન્ને નીકળ્યા. શાળામાં પહોંચ્યા ત્યાં તો ફરી સવારના આચાર્ય વિરાભાઇ હાજર મળે. કડિયા ભાઇ શબ્બીરભાઇ, શાળામાં માળી તરીકે કામ કરતા પિન્ટુભાઇ, લાઇટ વાળા ઇમરાનભાઇ, લોખંડવાળા સલિમભાઇ બધા હાજર... કેતનભાઇ અને ધર્મેન્દ્રભાઇએ પ્લાન કરેલો કે શું પણ કહે આજે બગીચાની તમામ નવી બનાવેલ દિવાલોને રંગ કરી જ દેવાનો છે. બગીચાના તમામ કૂંડામાં માટી નાખી જ દેવાની છે. કેતનભાઇ કલર લઇ આવ્યા 10 લિટર અને 5 પીંછી. એ બે તો લાગી જ ગયા રંગવા. કલર ખૂટે એમ હતો તો એક મિત્ર પાસે વાત કરી 6 લિટર રંગીન કલર સેવામાં લાવ્યા અને બીજો 5 લિટર સફેદ ખર્ચથી લાવ્યા. એવામાં બધા બેનર લાવવાના બાકી તેમને ફોન કર્યો તો કહે સર આવું જ છું. અમે ચાલું કરીએ એટલામાં બહેનો આવી ગયા અને એ અમારા હાથથી પીછી લઇને કલર કરવા લાગ્યા. કામ પૂર જોશમાં ચાલતું હતું. દરેક દિશામાં કામ થાય. નવાઇની વાત એ હતી કે વિક્રમકિશોરનો કોઇ મેસેજ નહતો અને એ જૂના કપડા પહેરીને જ આવ્યા હોશિયાર એ નીકળ્યા બોલો.... કહે મને ખબર હતી કે આજે તમે અમેને મજૂરી જ કરાવવાના છો એટલે આવા જ કપડા જોઇએ.... અમારી 108 વિક્રમસિંહ આવ્યા એમના માસી ખરેખર વેન્ટિલેટર પર હતા. દવાખાને આખો પરિવાર અને એ ભાઇ શાળામાં... શું નિષ્ઠા હશે... આવીને કહે સર તમે કાર્યક્રમ પાછળ શેડમાં કરવા કહો છો પણ ત્યાં મજા આવશે જ નહિ. આપણે મંડપ બાંધીને આગળ જ કાર્યક્રમ કરીએ. હવે મને ખબર કે 10000 માં મંડપ બાંધવો શક્ય જ નથી. પણ કહે હું મારા ખર્ચે લઇ આવીશ કે ગમે કે કરીશ ખાલી તમે બે આચાર્યો હા કહો... આ બધા એવા મંડાયા કે અમારે બન્ને એ હા પાડવી પડી.
હવે કામ બરાબર ચાલતું હતું એવામાં સમીરભાઇ ચા લઇને આવ્યા. ચા નીકળે એ પહેલા એ પોતે પીછી લઇ કલર કરવા લાગ્યા. SMC સભ્યો અને વાલીને ખબર પડી કે શાળામાં કાર્યક્રમ આપણા બાળકો અને આપણી શાળા માટે છે અને ત્યાં સ્ટાફ એકલો મથે છે. ફરી તેઓ ચા લઇ આવ્યા અને સફાઇ તથા અન્ય કામમાં મદદ કરી. એક બાજુ દિવાલ બને પ્લાસ્ટર થાય અને બીજી બાજુ બગીચા માટે માટી મળે નહિ... પિન્ટુંભાઇ કહે સર 2000 રૂ માં એક ટ્રેક્ટર આવશે તો 2 ટ્રેક્ટર માટી મંગાવી અને એ કામ શરૂ કર્યું. બહેનો અમારા અન્નપૂર્ણા જેવા છે. સ્મિતાબેન જઇને થેપલા અને સુકી ભાજી લઇ આવ્યા. તમામે તેનો જમણવાર કર્યો. ફરી કામે લાગ્યા.
હવે થોડી ચર્ચા આગળના દિવસોની કરું તો કિચન ગાર્ડન બનાવવો એ નક્કી હતું તો તે વિષયમાં રમેશભાઇ, નયનેશભાઇ અને વિક્રમકિશોર માસ્ટર માણસો... સાહેબ તમને કેઇ ખબર પડે નહિ જાઓ તમે અને અમને કામ કરવા દો. ખબર નહિ ક્યાંથી શુ લાવ્યા અને ડુંગળી, બટાટા, રીંગણ, ટામેટા, મરચા, કોથમીર, કોબીજ, ફુલાવર, મીઠો લીમડો, મેથી, લસણ બધું વાવણી કરી દીધી અને આજે તો એ સરસ તૈયાર છે.
જ્યારે કડિયો દિવાલ બનાવે તો અમારા ગોવિંદદાદા, વિરાભાઇ, નયનેશભાઇ અને રમેશભાઇ હાજર જ હોય. તેમની મદદ વિના બગીચાની પાળી કરીને તૈયાર કરવીનું, ઉપર નેટ લાગવવાનું કામ શક્ય ન હોત... તમામ શાળામાં વર્ગના નામ મહાનુભાવોના નામે હોય પણ અમે અલગ ન કરીએ એ થોડું બને... ઓફિસને ભારત બનાવી તમામ વર્ગને રાજ્યોના નામ આપ્યા. સ્ટોરમાં કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા તે તમામ લખાણ અમારા ગોવિંદદાદા એ કર્યું છે.
પ્લાન્ટેશન માટે છોડ લાવવા. અહી ભાવ લઇએ તો કહે 1 ના 200 રૂપીયા. કેતનભાઇ શોધી લાવે કહે તમે છોડો હું ને ધર્મેન્દ્રભાઇ લઇ આવીએ. કલાકમાં આવું કહીને છેક અમદાવાદથી 75 કિલોમીટર દૂર જઇને છોડ લઇ આવ્યા. અમદાવાદ કરતાં 60% સસ્તા. હવે વેલ ચડાવવા માટે વિરાભાઇ અને હું વિચાર કરીએ કે ઉપર સાદી જાળી લગાવી દઇએ. પાછા આ બધા નીકળ્યા ફેક્ટરીમાં... ત્યાં માલિક કહે મારે જ 16 રૂપીયામાં બને છે ઉપર GST લાગે પણ અમારા તો આ બધા એવા છે કે જીદ પકડી તમે 15 રૂપીયા પ્રમાણે બિલ બનાવો એટલા જ આપવાના છે.... ડસ્ટબિન અને કૂંડામાં પણ એમ કરીને જ એ વધારે લઇ આવ્યા એ પણ ગ્રાન્ટ તો એટલી જ ઉપયોગમાં લેવાની.
રવિપાર પર પાછો આવું છું કારણ કે સ્ટોરી તો ત્યાં શરૂ થાય છે. કલર થઇ ગયો પણ કૂંડાનો વજન અને તેને ગોઠવવાના... કેતનભાઇ અને સમીર લાગ્યા 140 કરતાં વધારે કૂંડા ગોઠવ્યા. બ્ ત્રણ ઉંચા કરો ત્યા તો કમર અંદરથી અવાજ કરે કે ભાઇ રહેમ કર હવે.... પણ થાકે તો IPS નો સ્ટાફ શેનો... બધા ગોઠવ્યા. પાછી ચા લઇ આવ્યું કોઇ. વિરાભાઇ પણ એવા કહે કે અમારા બે ત્રણ ને કોલ કરો આવે... વિજયભાઇ તો બાજુમા જ રહે તો આવી ગયા પણ સંજય છેક બોપલ રહે અને એક કોલના 25 મિનીટમાં શાળામાં હાજર. બન્ને મિત્રોએ તમામ બોર્ડ તૈયાર કર્યા. જેની નોંધ કાર્યક્રમના દિવસો પણ લેવાઇ. બરાબર થાકેલા પણ ધ્રમેન્દ્રભાઇ ના જપે ના જપવા દે... સાહેબ ખાલી એક વાર આજે સફાઇ કરી જ દઇએ, અલ્યા ભાઇ આરામ કરવા દો... તો હું કરી દઉ તમે બેસો... શું કરે પછી મારે અને વિરાભાઇને ઝાડું લેવા પડ્યા અને સમીરભાઇને પાઇપ પકડાવી. અને પાછા વિડીયો બનાવે કે જુઓ શાળાના આચાર્યોની દશા.... પણ આ આનંદની ક્ષણો હતી... સાંજે ઘરે જવા નીકળ્યા તો વિક્રમકિશોરને એક પાંજરુ નડે... આ તો કાઢવું જ પડશે સાહેબ એ માણસ માને જ નહિ હાલ નીકળી જશે... હું તો નીચે બેસી ગયો કાઢો તમે એમ કરી...
હવે કાર્યક્રમને એક જ દિવસ બાકી.... સવારે ફરી વહેલા આવ્યા. નયનેશભાઇ, રજનીકાન્ત અને શૈલેષભાઇનો જીવ તો શાળામાં જ હતો સવારે અમારી પહેલા આવીને કામે લાગી ગયેલા. જે જે બાકી હતું તમામ પૂર્ણ કર્યું. નયન્શભાઇએ પીછી છોડી જ નહિ. એવામાં મદદે આવ્યા ખોખરા 4 ના આચાર્ય વિજયભાઇ અને ખોખરા 12 ના આચાર્ય શેહમિનાબેન.... બોલો શું કરવાનું છે અને શું ખૂટે છે. જરૂરી વસ્તુ એ લઇ આવ્યા. વૃંદાબેને સુંદર રીતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા બાપુનું ચિત્ર હરિતફલક પર ચિતર્યું.
આખો દિવસ તમામે અલગ અલગ કામ કર્યા. રજનીકાન્ત વેસ્ટમાંથી બેસ્ટ શોધે તો રોશન સંજય અને વિજય કૃતિની તમામ વ્યવસ્થા કરે. બહેનો વર્ગમામ પોતા કરે.... જેના ઘરે કામ કરવા કોઇ આવે છે એ શાળામાં પોતા કરે જોઇ હર્ષાશ્રુ આવી ગયા. એવામાં મદદનીશ શાસનાધિકારીશ્રી દુબે સર માર્ગદર્શન માટે આવ્યા. વ્યવસ્થા જોઇ આનંદ પ્રગટ કર્યો. તેમનો જન્મ દિવસ હતો ઘરે બેન બોલવાના જ હતા મને પાક્કી ખબર છે તોય તેઓ શાળામાં તમામ બાબતો જોઇને માર્ગદર્શન કરતા રહ્યા.
મુખ્ય વાત હતી કે આવનાર તમામને વાતાવારણ ભાવાવરણ જેવું લાગે. અશોકભાઇ કહે તમામ બાળકોને ટ્રોફી હું આપીશ તો વિક્રમસિંહ કહે મંડપ અને સોફા મારી જવાબદારી... બહેનો કઇનું કઇ લઇ આવે. કોઇ ચાદર લઇ આવે તો કોઇ ટીપોઇ.
હવે દિવસ આવ્યો કાર્યક્રમનો... બન્ને શાળાનો સ્ટાફ ખડેે પગે જોવા મળે. કોઇએ એ દિવસે ખૂરશી જોઇ જ નથી. આગળ બેંડ ગોઠવાઇ ગયું. સ્વાગતની તૈયારી શરૂ અને અધિકારી પદાધિકારીશ્રી આવવા લાગ્યા.
શાળાએ આવીને ચેરમન સર કહે, હેમંત 2:00 વાગ્યા સુધી જે કહીશ એ કરીશ પણ પછી નીકળી જઇશ ભલે મારે પ્રવચન આપવાનું બાકી હોય.... સરને હું જોતો પણ હતો એમનો જન્મ દિવસ હતો અને પોતે ખુબ એક્ટિવ તો સતત તેમને કોલ આવે અને બાળકોને બિરદાવવા આવેલા તો પોતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપવા આવનાર તમામ કોલ એ કાપે. સ્કૂલ બોર્ડ માટેની આ લાગણી જ એટલી પ્રબળ કે શું કહે....
વાઇસ ચેરમેન સર પધાર્યા. અમે ના તેમને રૂબરૂ આમંત્રણ આપી શકેલા ના મળી શકેલા. તેમની પાસે પુષ્કળ કામ હોય જ છે પણ દક્ષિણ ઝોન પ્રત્યે લગાવને લઇ તેઓ સતત શાળા બાબતે અપડેટ લેતા રહ્યા. મને નવાઇ લાગે કે આટલો મોટો માણસ આમ સહજ કઇ રીતે હોઇ શકે....
માનનીય શાસનાધિકારી સરશ્રી આવ્યા ને ચિતન કરે કે બાજુનો પ્લોટ શાળાને મળે તો શાળાને લાભ થશે. સ્થાનિક કોર્પોરેટરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય કે જેઓ ગમે તેટલા વ્યસ્ત હોય અમારો ફોન એક રીંગથી ઉપાડીને કહે કામ બોલો... તેમને કહે કે કઇ કરો મારી આ શાળાને મેદાન આપો. શાસનાધિકારી સરની વાત સાંભળી મારી આંખ ભરાઇ આવેલી. બાળકોની આટલી ચિંતા કોઇ અધિકારી આ રીતે કરે તે મે પહેલી વાર જોયેલું. નતનસ્તક થયો હું. સાથે જ્યોત્સનાબેન આમલિયાર મેડેમ પણ શાળાને લાભ થાય તે માટે સાહેેબ સાથે ચર્ચા કરતા રહ્યા.
નાયબ શાસનાધિકારીશ્રી પરિમલભાઇ પટેલ સર સમય કરતાં વહેલા આવી ગયા. સરળ સ્વભાવ એવો કે કહે હું તમારામાંથી જ છું તમારા જેટલી જ જવાબદારી મારી છે. તમે તમારા કામ શરૂ જ રાખો હું તમારી સાથે જ છું. સમગ્ર કાર્યક્રમ માટે તેમને આપેલું માર્ગદર્શન આજે અમને કામે આવી રહ્યું હતું.જો કાર્યક્રમ સફળ માની લઉ તો યશના ભાગીદાર સર પોતે છે.
નૂતન તાલિમના સંચાલક બેન શ્રી દિપ્તીબેન આવી ગયા. શાળામાં તેઓ પ્રથમ વાર આવ્યા. શાળાનું પ્રાર્થના આયોજન જોયું. ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.
શાળામાં જેને પાયાથી પ્રાણ રેડેલો એવા અમારા માર્ગદર્શક શ્રી અને દક્ષિણ પશ્ચિમ ઝોનના મદદનીશ શાસનાધિકારીશ્રી દિનેશભાઇ દેસાઇ સાહેબ આવ્યા. જુની યાદો તેમની આ શાળા સાથે જોડાયેલી જ હતી તે યાદ કરી હાલ શાળાને જોઇ આનંદ વ્યક્ત કર્યો. મને સાહેબ સાથે જૂનો સંબંધ પણ મારા માટે એ સદૈવ આદરણીય છે તેમને પોતાને ઝોનમાં કાર્યક્રમ હોતો તો પણ અહીં આવ્યા તે તેમનો શાળા માટેનો લગાવ જ કહી શકું.
શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સર કે જેઓ સતત શાળાની મુલાકાત કરતા રહ્યા છે. શાળાની નાની નાવી વાતોને પણ પ્રોત્સાહિત કરતા રહ્યા છે.થોડા દિવસ પહેલા જ મુલાકાત કરેલી તે અને આજની શાળા અલગ છે તમ જોઇ વધારે પ્રસન્ન થયા. પ્રજ્ઞાબેન પંડ્યા મેડમ... અલગ વ્યક્તિત્વ છે. હેમંત શાળાના હિત માટે જે કરવું હોય એ બધું કરો આવો તેમનો સાથ રહ્યો છે કારણ તેઓ પણ મદદનીશ શાસનાધિકારીશ્રી તરીકે રહ્યા છે. શ્રી નિમિષાબેન ચૌહાણ , શ્રી નૂતનબેન, સમય કરતાં વહેલા આવ્યા. અમારા આ પ્રયત્નને પ્રોત્સાહન કરવા માટે તેમની ઉપસ્થિતિ પ્રેરણા બની રહી છે. શ્રી સુરેશભાઇ, શ્રી રાજુભાઇ, શ્રી રશ્મિનભાઇ, શ્રી સત્યપાલભાઇ સૌ હાજર રહ્યા. દક્ષિણ ઝોનના યુઆરસી કો-ઓર્ડિનેટરશ્રી હેમંતભાઇ નવાકર પણ જવાદારી સાથે આવીને કાર્યક્રમમાં જોડાયા. તેમને સતત માર્ગદર્શન કર્યું છેે ત્યારે આ કાર્ય સફળ થયું છે.
કાર્યક્રમની શરૂઆતે સન્માનનીય ચેરમેન સરશ્રી સુજયભાઇ મેહેતા , વાઇસ ચેરમેન સરશ્રી વિપુલભાઇ સેવક, એઓ સરશ્રી ડો. એલ.ડી દેસાઇ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય શ્રી માનસિંહભાઇ સોલંકી, કાઉન્સિલરશ્રી જ્યોત્સનાબેન આમલિયાર, નાયબ શાસનાધિકારીશ્રી પરિમલભાઇ પટેલ સર સૌએ મા શારદાને માલ્યાર્પણ કરી દિપ પ્રગટાવી ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો આરંભ કરાવ્યો. તેમની સાથે તમામ અધિકારી જોડાયા. સૌએ તમામ બાળકોની કૃતિ જોઇ જરૂરી વાર્તાલાપ કર્યો. બાળકો સાથે પ્રશ્નોતરી કરી... બાળકોની તૈયારીથી સૌને આનંદ થયો. આ બાળકોને તૈયાર કરવામાં ઉપર જણાવેલ શિક્ષકો ઉપરાંત ધોરણ 6 થી 8 ના શિક્ષકો સંજય, રોશન, વિજયનો સિંહફાળો છે. કે જેમને 10 કૃતિ તૈયાર કરાવેલી. 1 થી 5 ના શિક્ષકોમાં ઉપર નામ લખ્યા એ સિવાય ચેતનાબેન, મયુરીબેન, નેહાબેન, પન્નાબેન, નિલમબેન, ઉષાબેન, દર્શનાબેન, કામિનીબેન સૌનો ખુબ મોટો ફાળો છે. વેસ્ટમાંથી બેસ્ટની તમામ પ્રવૃત્તિનું આયોજન શ્રી રજનીકાન્તે કર્યું તો ગણિત પ્રવૃત્તિઓ સંગીતાબેન કરાવી, અમારા જાદુગર ધર્મેન્દ્રભાઇ જાદુના પ્રયોગો કરાવ્યા.
જે વર્ગથી શરૂઆત કરી તે બાલવર્ગ તૈયાર કરવાનું કાર્ય ફાલ્ગુનીબેન, હંસાબેન, તારાબેન, ધર્મિષ્ઠાબેન, સોનલબે, નીરૂબેન, અમિતાબેન, જયશ્રીબેન, મનિષાબેનસંગીતાબેન, વનિતાબેને સંભાળ્યું. બીજો બાલ વર્ગ તૈયાર કરવાનું કાર્ય કે જેમાં વ્યવસાયકારો પણ જોડાયા તે કાર્ય સુનિતાબેન અને દિપ્તિબેને પૂર્ણ કર્યું.
ધોરણ 3 થી 5 ના બાળકો જાતે કોમ્પ્યુટર ખોલેે, ફોલ્ડર બનાવે, પેઇન્ટમાં પોતાના નામની ફાઇલ બનાવે અને સેવ કરે આ કામ સરળ લાગે છે.... ના ના... આ કામ રમેશભાઇએ કરી બતાવ્યું છે.
કાર્યક્રમની પ્રાર્થના સભા તથા અભિનયની તમામ જવાબદારી ફાલ્ગુનીબેન અને તેમની ટીમે સંભાળી છે. સમગ્ર સ્ટેજ કાર્યક્રમનું તમામ આયોજન શ્રી અશોકભાઇ પંચાલ અને શ્રી શૈલેષભાઇ પટેલે કર્યું છે.



























































































































Comments
Post a Comment
Thanks A lots...