મધ્યાહન ભોજન નિરીક્ષણ મુલાકાત

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલની આજ રોજ મધ્યાહન ભોજન કમિશ્નર અંતર્ગત કોરોના બાદ શાળાઓ શરૂ થઇ તે અંતર્ગત નિરિક્ષણ માટે મુલાકાત કરવામાં આવી. સ્કૂલ બોર્ડ દ્વારા શાળાની પસંદગી કરવામાં આવી તે માટે સ્કૂલ બોર્ડના આભારી રહીશું. શાળાના વિકાસની આ સફર માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના તમામ પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, અમારા પ્રેરણા સ્ત્રોત માનનીય શાસનાધિકારીશ્રી ડો. એલ.ડી. દેસાઇ સર તથા અન્ય તમામ અધિકારીશ્રી સાથે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનો આભાર માનવા શબ્દો ઓછા પડે તેમ છે.

કોરોનાના સમય દરમ્યાન છેલ્લા બે વર્ષ જેટલા સમયથી શાળા બંધ છે પણ બાળકોને મધ્યાહન ભોજન યોજનાનો લાભ મળી રહે તે માટે મધ્યાહનભોજન વિભાગ દ્વારા સતત સફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે અંતર્ગત બાળકોને ધોરણ પ્રમાણે દિવસ વાર ઘઉં, ચોખા જેવા અનાજ અને કુકિંગ કોસ્ટની રકમ સીધી તેમના ખાતમાં જમા કરાવી છે. જેનો લાભ તમામ સરકારી શાળાના બાળકો અને તેમના વાલીને મળેલ છે જે અંતર્ગત નિરીક્ષણ ટીમ દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત કરી વિગતે નિરીક્ષણ કરવામાં આવ્યું. વાલી તથા SMC અને બાળકો સાથે પણ ચર્ચા કરવામાં આવી. સાથે કોરોના સમય બાદ શાળાઓ ફરી શરૂ થઇ રહી છે તો બાળકોના મનના ભાવ જાણવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો.

આજ રોજ મધ્યાહન ભોજન અંતર્ગત શાળાના બાળકોને આપવામાં આવતા અનાજ અને કુકિંગ કોસ્ટ તથા હાલ શાળા શરૂ થઇ તે અંતર્ગત નિરીક્ષણ માટે કુલ 3 સદસ્યોની ટીમ શાળાની મુલાકાતે આવી.  તેઓ કુલ પાંચ કલાકથી વધારે સમય શાળામાં રોકાયા અને તમામ બાબતો પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અને શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા શૈક્ષણિક કાર્યોનુ ઝીણવટ પૂર્વક નિરીક્ષણ અને રેકોર્ડીંગ કર્યું. તેઓ દ્વારા શાળાના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવતા કાર્યોની નોંધ લીધી.

શાળામાં આવ્યા બાદ તેમને પ્રથમ કોરોના સમય અંતર્ગત શાળા દ્વારા શિક્ષણ વિભાગ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તથા સરકારી શાળાના શિક્ષકો દ્વારા બાળકોના શૈક્ષણિક કાર્ય માટે કરવામાં આવેલ કાર્યની સમીક્ષા કરી. શરૂઆતે તેમને શાળાના શિક્ષક શ્રી અશોકભાઇ પંચાલના વર્ગની મુલાકાત કરી. તેઓ દ્વારા ધોરણ 3 ના બાળકોને જ્ઞાનકૂંજનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે તે અંગે બાળકો સાથે ચર્ચા કરી. કોરોના સમયમાં પણ શિક્ષકો દ્વારા ઓનલાઇન વર્ગો, શેરી શિક્ષણ અને એકમ કસોટી, ગૃહકાર્ય જેવા વિષયો અંતર્ગત વાત કરીને જરૂરી માહિતી સીધી બાળકો પાસેથી મેળવી. બાળકોના શૈક્ષણિક કાર્યની પણ નોંધ કરી.

ત્યાર બાદ તેમના દ્વારા પ્રજ્ઞા વર્ગની મુલાકાત કરવામાં આવી. તે અંતર્ગત શાળાના શિક્ષકો શ્રી અલ્પાબેન ચૌહાણ તથા ભાનુબેન માલીવાડના વર્ગની મુલાકાત કરી. શાળા દ્વારા પ્રજ્ઞા વર્ગનું નિર્માણ કરવામાં આવેલ છે. બોલતી દિવાલો જોઇ આનંદ થયો. પ્રજ્ઞા વર્ગ અંતર્ગત શાળા દ્વારા વિવિધ શૈક્ષણિક સાધનોનુ નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં વાંચન, લેખન, ગણન કરાવવા માટે સરળતા થઇ રહે તથા તમામ શિક્ષકો તેનો ઉપયોગ કરીને બાળકોને સેલ્ફ લર્નિંગ કરાવી શકે તથા બાળકોની ક્ષમતાની જાતે ચકાસણી કરી શકે. TLM અંતર્ગત લાકડાના સ્ટીકર સાથેના પાસા બનાવવામાં આવેલ છે અને તેને ગોઠવવા માટે લોખંડના ઘોડા બનાવવામાં આવેલ છે જે અંતર્ગત એક સાથે 4 વર્ગ કાર્ય કરી શકે તેમ છે. તેની સાથે શિક્ષકો દ્વારા પણ વિવિધ TLM બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ કાર્ડ, મણકા, સ્ટીકર, પાસા, લખોટી જેવા શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ આનંદ તેમને એ થયો કે બાળકો જાતે પોતાનો અભ્યાસ કરી શકે છે. નાના બાળકો કે જે કોરોના બાદ માંડ 20/30 દિવસ જ શાળામાં આવેલ છે. તે બાળકો શિક્ષકે આપેલ ટાસ્ક પ્રમાણે પોતાનુ કાર્ય કરે. શિક્ષકે 7 + 2 આપ્યું હોય તે બાળક જાતે 9 મણકા ગણે અને ગોઠવે તે જોઇ ટીમના સભ્યોને પણ ખૂબ આનંદ થયો. બન્ને બહેનો દ્વારા ખુબ સુંદર રીતે પોતાના વર્ગમાં કાર્ય કરેલુ જોઇ તેમને ખુશી થઇ. તેમના શબ્દોમાં કહીએ તો આટલા શૈક્ષણિક સાધનો કોઇ શાળામાં હશે કે કેમ તે શંકા છે અને હોય તો તેનો ચોક્કસ ઉપયોગ થાય તે પણ મહત્વનું છે. ખરેખર આપને પણ આ વર્ગોનું કાર્ય જોઇ આનંદ થશે.

પ્રજ્ઞા વર્ગની મુલાકાત બાદ તેમને અન્ય વર્ગોની મુલાકાત કરી. લીલાબેનના વર્ગમાં જઇ તેમને બાળકો સાથે વાર્તાલાપ કર્યો, બાળકો એક સાથે અભિનય ગીત કરતા જોઇ તેમને નવાઇ લાગી. આમ તો બાળકોની સંખ્યા ખૂબ વધારે છે તો પણ બાળકો માસ્કનો ઉપયોગ કરે, સામાજિક અંતર જાળવીને કાર્ય કરે તે ખરેખર સારી બાબત કહી શકાય.

શાળાના ખુબ ઉત્સાહી શિક્ષક શ્રી વિક્રમસિંહ ઝાલા દ્વારા તેમના વર્ગના બાળકોને રમત માટે લઇ જવામાં આવતો જોઇ તેમને સીધું તેનું શુટીંગ કર્યું. ખાસ વાત એ રહી કે તમામ બાળકો આટલા લાંબા કોરોના વેકેશન બાદ પણ યોગ અને કસરતના દાવ કરી શકે છે. ત્યાર બાદ તેમના વર્ગના બાળકો રમત રતા હતા તેનું ડ્રોન દ્વારા શુટીંગ કરવામાં આવ્યું. ખરેખર તેઓ પણ બાળકો સાથે રમતનો આનંદ લઇ બાળકો સાથે બાળક બન્યા. વિક્રમસિંહ શાળાના કોઇપણ કાર્ય માટે સતત જ્યારે પણ જે કાર્ય કહો તે માટે તૈયાર જ રહે. સવારે પણ તેઓ વહેલા આવી શાળાની અંદર અને બહાર સફાઇ કાર્ય કરાવ્યું. નજીકના વોર્ડના સફાઇ કામદારો સાથે તેમનો સબંધ સતત શાળાને ઉપયોગી બને છે. 

ત્યાર બાદ તેમના દ્વારા SMC અધ્યક્ષ શ્રી બળદેવભાઇ તથા મહિલા પ્રોમિનેટ સદસ્ય શ્રી વહિદાબેન સાથે વાર્તાલાપ કર્યો. કોરોના અંતર્ગત સરકાર દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કરવામાં આવેલ અનાજ વિતરણ, ફુડ સિક્યુરીટીના પૈસા સીધા તેમના ખાતામાં મળે છે તે અંગે સવાલ જવાબ કરવામાં આવ્યા. કોરોના કાળ દરમ્યાન શાળા દ્વારા બાળકોના અભ્યાસ માટે કરવામાં આવેલ પ્રયત્નોની પણ ચર્ચા કરી. ઓનલાઇન ક્લાસ, શેરી શિક્ષણ, એકમ કસોટી, ગૃહકાર્ય જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. બન્ને સાથે તેમને વિવિધ સરકારી યોજનાઓ વિશે પણ ચર્ચા કરી અને શાળાના બાળકોને તેના લાભ મળે છે તે અંગે પણ માહિતી મેળવી.

તેમને શાળાના બે વિદ્યાર્થી કહેકશા અને સનોફર સાથે વાત કરી. બન્ને બાળકોને તેમને વિવિધ મુદ્દા પર વાત કરી. બાળકો પહેલી વાર કેમેરા સામે બોલતા જોઇ મને પણ વ્યક્તિગત આનંદ થયો. અંતે થોડીક ચર્ચા મારી સાથે પણ થઇ.

શાળાની વિવિધ વિશેષતાઓ વિશે પણ તેમની સાથે વિગતે ચર્ચા થઇ. જેમ કે...

- ધોરણ 1 થી 5 માં 1441 અને ધોરણ 6 થી 8 માં 986 બાળકોની સંખ્યા મળી કુલ 2427 બાળકો અભ્યાસ કરે છે.

- આવતા વર્ષ માટે અત્યારથી શાળામાં 223 બાળકોએ પ્રવેશ મેળવી લીધેલ છે. જે ખરેખર આનંદની વાત છે.

- શાળાના તમામ વર્ગોમાં સેન્ટ્રલાઇઝ રીતે સ્પીકર લગાવવામાં આવેલ છે. જેનો ઉપયોગ કોરોના બાદ તમામ રીતે ખુબ મહત્વનો રહ્યો છે. પ્રાર્થના તથા સમૂહમાં કરવાના કાર્યો સરળ બની શક્યા છે.

- ધોરણ 1 અને 2 ના માટે અદ્યતન પ્રજ્ઞા વર્ગ

- અદ્યતન શૈક્ષણિક સામગ્રી કે જેનો ઉપયોગ સરળતાથી બાળકો માટે શિક્ષકો કરી રહ્યા છે.

- SMC નો શાળા વિકાસમાં સહયોગ

- શાળામાં બનાવવામાં આવેલ કિચન ગાર્ડન કે જેમાં વિવિધ શાકભાજી છે.

- શાળા બાગ બનાવવામાં આવેલ છે જેમાં ઔષધિય વનસ્પતિમાં અજમો, પર્ણફૂટી, અળડૂસી, સળગવો, લજામણી તથા અન્ય ફુલછોડથી ભરેલ ગ્રીન શાળાનું વાતાવરણ આકર્ષક રહે છે.

- Child Friendly School અંતર્ગત બાળકોને કોઇપણ જગ્યાએ રમતાં કે ભણતા ઇજા ન થાય તેનું ધ્યાન રાખવામાં આવેલ છે.

- દિવાળી વેકેશનમાં શિક્ષકો અને એક NGO ના સહયોગ દ્વારા તમામ વર્ગમાં બાળકોને ગમે તેવા ચિત્રો દોરવામાં આવેલ છે. તે માટે શિક્ષકોનો આર્થિક સહયોગ શ્રેષ્ઠ રહેલ છે.

- વાલીનો સતત સહયોગ

- નામાંકન માટે વિસ્તારમાં જઇ વાલી સાથે નાની ગૃપ મિટીંગ દ્વારા સરકારી શાળાની સારી બાબતોની સમજ આપવા માટે ચર્ચા કરવામાં આવે છે જેના કારણે નામાંકનમાં સારું પરિણામ જોવા મળે છે.

સમગ્ર દિવસ દરમ્યાન અમારા માર્ગદર્શક અને દક્ષિણ ઝોનના માનનીય મદદનીશ શાસનાધિકારી સર શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સર દ્વારા તેમના વ્યસ્ત કાર્યમાં પણ માર્ગદર્શન મળતું રહ્યું. અમારા માર્ગદર્શક અને ઝોનના સુપરવાઇઝર સર શ્રી અશોકભાઇ પરમાર સાહેબ હાજર રહ્યા. તેમને પણ વિવિધ મુદ્દા અંતર્ગત ટીમ સાથે ચર્ચા કરી. બન્ને અધિકારીશ્રી દ્વારા સતત માર્ગદર્શન, પ્રેરણા અને ઉત્સાહ અમારી શાળાને મળતો રહે છે. 

અમારા ઉચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલિયા સર પણ સવારે શાળામાં આવે અને આજે ભૂખ્યા પેટે સાંજ સુધી સાથે રહ્યા તથા શાળાની વિવિધ ક્ષેત્રની સફળતા વિશે ચર્ચા કરી. તેમનો સહયોગ સતત શાળા માટે શ્રેષ્ઠ રહ્યો છે. જેનો આભાર માનવો મારા માટે શક્ય નથી. તેમને વંદન.

શાળાના શિક્ષકો શ્રી અશોકભાઇ પંચાલ, સમીરભાઇ દેસાઇ, રાજેન્દ્રભાઇ ખોખરિયા અને વિક્રમસિંહના સતત સહયોગ વિશે કંઇ પણ કહેવા માટેે શબ્દો નથી. તમામ પ્રકારની જવાબદારી નિભાવવા માટે સતત તૈયાર જ રહે.  સાથે તમા્મ શિક્ષકો બહેનો પણ સતત અવિરત પોતાના વર્ગમાં વધારે સંખ્યા હોવા છતાં પણ કાર્ય કરે છે. સમગ્ર દિવસ દરમ્યાન બાળકોની શિસ્ત વખાણવા લાયક રહી છે. કોરોનાની ગાઇડ લાઇન મુજબ બાળકો ભેગા ન કરવા જેથી આખો દિવસ શિક્ષકો વર્ગમાં રહે છે અને કોઇપણ ફરિયાદ વગર. શાળાના નામ લખવા દેતા તમામ શિક્ષિકા બહેનોનો આભાર માનવો જ રહ્યો.

શાળાના સફાઇ કામદાર શ્રી પ્રવિણભાઇ પણ સતત શાળાને બાળકો માટે સ્વચ્છ રાખે છે તેમનો પણ આભાર.


આપનો
Hemant Panchal
M0bile - 7567853006
Email - vaishwika@gmail.com
Facebook - #Isanpur_Public_School_2
twitter - @AmcIps2





























































Comments

  1. ખૂબ સરસ સર..
    શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન..

    ReplyDelete
  2. ખૂબ સરસ.... કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

    શુભેચ્છાઓ, આગળ વધો!!

    ReplyDelete
  3. અતિ સુંદર નવી પેઢી ને વધુ ને વધુ ફાયદો થશે તેવી તમારી મહેનત ખૂબ સરસ ભાઈ

    ReplyDelete

Post a Comment

Thanks A lots...