NATIONAL EDUCATION POLICY 2020 પરિસંવાદ

IITE (INDIAN INSITUTE OF TEACHER EDUCATION) અને NCTE (NATIONAL COUNCIL FOR TEACHER EDUCATION) ના ઉપક્રમે આજ રોજ તારીખ 30 ડિસેમ્બર 2021 ના રોજ NATIONAL EDUCATION POLICY 2020 અંતર્ગત OPEN HOUSE DISCUSSIN નું આયોજન નર્મદા હોલસ સ્વર્ણિમ સંકૂલ 1, ગુજરાત વિધાનસભા સંકૂલ ગાંધીનગર ખાતે મહામહિમ રાજ્યપાલ તથા IITE ના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્મનું આયોજન IITE ના ઉપ કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ તથા NCTE મેમ્બર શ્રી કેશાંગ શેરપા મેડમ દ્વારા કરવામાં આવ્યું.

આગામી સમયમાં રાષ્ટ્રના બાળકથી લઇને યુવા વર્ગને કેવું શિક્ષણ આપવાની જરૂરીયાત છે તેવા વિચાર સાથે National Professional Standards for Teachers અને MENTORING જેવા અગત્યના વિષય અનુસંધાને મુક્ત મને ચર્ચા કરવામાં આવી. કદાચ ગુજરાતમાં આ બાબતે આ પહેલો પ્રસંગ હશે. શિક્ષણના કાર્યમાં અનેક શિક્ષણ વિદ, શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર મહાનુભાવો, IITE ની ટીમ તથા શાળાઓના મુખ્ય શિક્ષકો હાજર રહ્યા. મારા મતે આ કોઇ કાર્યક્રમ ન હતો, પરિસંવાદ હતો, ચર્ચા હતી જેમાં તમામના વિચારોને વ્યક્ત કરવાની પુરી સ્વતંત્રતા પુરી પાડવામાં આવી સાથે તેમના સૂચનો, પ્રશ્નો તથા સમસ્યાઓને સમાવવાનો વિચાર કરવાની સાથે સમાધાન આપવાનો પણ પ્રયાસ સફળ રીતે કરવામાં આવ્યો.

ભારતીય સંસ્કૃતિની ઓળખ પ્રમાણે સંવાદની શરૂઆત ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ તથા IITE ના કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રત, IITE ના ઉપ કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ તથા NCTE મેમ્બર શ્રી કેશાંગ શેરપા મેડમ અને અન્ય મહાનુંભાવો દ્વારા દિપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. IITE ની પ્રાર્થના કરવામાં આવી. મહાનુભાવોને મોમેન્ટો અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું. સંવાદને કુલ ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલ તથા તમામ વિભાગ માટે જે તે વિષયના નિષ્ણાંત દ્વારા સમજ આપવાની પ્રક્રિયા કરવામાં આવી. આજે મને સૌથી વધુ આનંદ એ વાતનો રહ્યો કે સમગ્ર પરિસંવાદ એક પક્ષી ન હતો, વક્તા આજે મેં શ્રોતા બનતા જોયા છે અને શ્રોતાઓને વક્તા બનતાં સાંભળ્યા છે. સંવાદનું આયોજન કરવા માટેનું તાત્પર્ય NCTE ના સેક્રેટરી મેમ્બર શ્રી કેશંગ શેરપા મેડમ દ્વારા કરવામાં આવ્યું. NATIONAL EDUCATION POLICY 2020 અંતર્ગત શિક્ષકના પ્રોફેશનને સમજાવવા માટે તેમને ખુબ સુંદર પ્રયાસ કર્યો, સાથે શિક્ષકો સામેની સમસ્યાઓ, તેમને જરૂરી કૌશલ્યો, ગુણવત્તા જેવા વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. IITE ના ઉપ કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાના વિચારોની રજૂઆત ખૂબ ટૂંકા સમયમાં કરી. સાહેબશ્રીએ અલ્પ સમયમાં સમજાવી દીધું કે સમગ્ર રાષ્ટ્ર માટે ઋષિ અને કૃષિ મહત્વના ક્ષેત્રો છે. બન્નેમાં યોગ્ય વાવણી કરી શકવામાં સફળ થઇશું તો ચોક્કસ આવનાર સમયમાં ભારતને વિશ્વગુરૂ બનતાં કોઇ રોકી શકે તેમ નથી.

ખરો આનંદ રહ્યો મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જ્ઞાન સાગરમાં હાજર રહેલ સૌને સ્નાન કરવા મળ્યું. ગુજરાત ચોક્કસ ભાગ્યશાળી છે કે જ્ઞાનનો સાગર એવા રાજ્યપાલ મળ્યા છે. શિક્ષણ અંગે તેમના વિચારોએ સમગ્ર શ્રોતા વર્ગમાં એક અલગ છાપ વિકસાવવાનું સફળ કાર્ય કર્યું. તેમના પ્રવચનને હું મારા શબ્દોમાં માર્ગદર્શન જ કહીશ. આપણે ક્યાંથી ભૂલા પડ્યા છીએ અને ક્યાં જવાની જરૂરીયાતનું નિર્માણ થયું છે તેની સાથે વિશ્વગુરૂ બનવા માટેનો રાજમાર્દગ પણ તેમને આપ્યો. તેમના માર્ગદર્શનની વાત કર્યા વગર આ સંવાદ અધૂરો જ લાગે. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ તેમને સંસ્કૃતના શ્લોકથી પોતાના પ્રવચનની શરૂઆત કરી. તેમના પ્રવચનમાં તમામ બાબતો નોંધનીય છે જે તેમાં શંકા નથી પણ તમામ બાબતો સમાવી શકાય તેવી મારી શક્તિ નથી જેથી કેટલાક અંશો આપની સમક્ષ મૂકતાં આજે ગૌરવની લાગણી થઇ રહી છે.

શિક્ષણ જ માનવને માનવ બનાવે છે. પ્રત્યેક વ્યક્તિ સુધી શિક્ષણનો પ્રકાશ લઇ જવા માટેનું મુખ્ય કાર્ય શિક્ષકનું છે. ( ખાસ સમગ્ર પ્રવચનમાં તેમને શિક્ષક શબ્દને ગુરૂથી જ નવાજ્યા છે.)

·        સમાજ અને રાષ્ટ્રને દિશા આપવાનું કાર્ય શિક્ષણ જ શિક્ષણથી કરી શકે છે.

·        શિક્ષણ અંગેની નિતીથી જ ભવિષ્યનું ઘડતર શક્ય છે. શિક્ષણ નિતી જેવી હશે તેવા રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય.

·        ભારતમા શિક્ષણ સદીઓથી શ્રેષ્ઠ રહ્યું છે પરંતુ અંગ્રેજો જ્યારે આ દેશ પર સત્તામાં હતા ત્યારે તેમને સમજ હતી કે ભારતને સરળતાથી ગુલામ રાખી શકાય તેમ નથી. તેવા વિચારને કારણે જ તેમને 1835 માં મેકોલેને નવી શિક્ષણ નિતી બનાવવા માટે જવાબદારી સોંપી. મેકોલે સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને જોયું તો સમજમાં આવ્યું કે સમગ્ર દેશમાં ગ્રમીણ ગુરૂકુલ વસે છે. ભારતના લોકોને સંસ્કૃતિ અને વિરાસતથી દૂર કરી શકાય તેમ જ નથી.

·        મેકોલેના ભારત પ્રવાસથી તેમને નક્કી કર્યું કે ભારતમાં રાજ્ય કરવા માટે ગ્રામીણ ગુરૂકુલની શિક્ષણ પદ્ધતિ બંધ જ કરવી પડશે. સરળતાથી તેને બંધ કરી શકાય તેમ હતું નહિ તેથી તેમને ગ્રામીણ ગુરૂકુલને મળતી તમામ ગ્રાન્ટ બંધ કરી અને જે અનુદાન આપે તેને દંડ કરવાનું કાર્ય કર્યું. ગ્રામીણ ગુરૂકુળ પર આ સૌથી મોટો પ્રહાર હતો.

·        મેકોલે એ જણાવેલ કે ભારતના લોકોના શરીરના રંગ, રહેણીકરણી, વેશભૂષા, બદલી શકાય તેમ નથી, પણ આપણે તેમના મગજ, વિચારો, ભાષાને બદલી દઇશું તો ચોક્કસ સમગ્ર રાષ્ટ્રની શક્તિ પર પ્રહાર થશે, અને આજે આપણે તેની અસરો જોઇ પણ રહ્યા છીએ.

·        મેકોલેની શિક્ષણ નિતીથી આજે પણ કહેવાય છે કે અંગ્રેજો ગયા પણ અંગ્રેજી છોડતા ગયા. આજે પણ ભારત તેમાં બંધાઇ રહ્યું છે. શિક્ષણ એટલે અંગ્રેજી ભાષા શીખવી તેવું કદિ માની શકાય જ નહિ.

·        ભારત સદીઓથી જ્ઞાનનો ભંડાર રહ્યો છે. આર્યવ્રત બની રહ્યો છે. પરિવારમાં જ જ્ઞાન વિજ્ઞાનની સમજ મળતી હતી. નાલંદા, તક્ષશિલા જેવા વિશ્વવિદ્યાલયો સૌ માટે આજે પણ આશ્ચર્યનો વિષય છે.

·        શિક્ષણ નિતી ઋષિનિતી અને બાળકેન્દ્રી હતી. પ્રાચીન શિક્ષણ નિતીથી માનવ નિર્માણ થયું અને વસુધૈવ કુટુંબકમની ભાવના ચરિતાર્થ થયેલી જોવા મળે છે.

·        આપણે પાંદડાને પાણી આપવામાં મૂળને પાણી આપવાનું ભૂલી ગયા, પોતાની સંસ્કૃતિનું શિક્ષણ આપવાને બદલે અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવા લાગ્યા જેથી આજે માનવ ઘડતર કરવાની જગ્યાએ નોકરશાહીનું નિર્માણ કરી રહ્યા છીએ. માનવ મૂલ્યો, સંસ્કારો અને સંસ્કૃતિનો વિચાર શિક્ષણ નિતીમાં જોવા મળવો જ જોઇએ.

·        સાસ્કૃતિક મૂલ્યોની સ્થાપના કરવાવાળા બાળકોનું નિર્માણ કરવા માટે આપણે અતીતમાં જવું પડશે, જોવું પડશે.

·        ભારતીય શિક્ષણની પ્રણાલીમાં 16 સંસ્કારોનું મહત્વ ધ્યાને લેવામાં આવેલ જોવા મળે છે. વિશ્વ આખું બાળક જ્યારે 5 મહિના પછી શીખવાની શરૂઆત કરે છે તેવા સમયે જન્મ પહેલા 5 મહિનાથી શિક્ષણ કાર્ય કરી શકાય તેવી શિક્ષણ નિતી શ્રીમંતોનયન સંસ્કાર દ્વારા ભારતમાં જોવા મળે છે.

·        પ્રાચીન ભારતમાં એક પણ વ્યક્તિ નિરક્ષર હતો જ નહિ કારણ કે બાળક સાત-આઠ વર્ષનું થાય કે તરત ફરજીયાત તેને ગુરૂકુળમાં શિક્ષણ મેળવવા મોકલવું જ પડતું. પ્રત્યેક બાળક માટે ઉપનયન સંસ્કાર ફરજીયાત રહેતા. બાળક માતા-પિતાના લઘુકુળથી શિક્ષણ મેળવવા માટે ગુરૂકુળમાં જતો આમ બાળકનું કુળ બદલવામાં આવતું.

·        ઉપવનમાં શિક્ષકો પણ એવા કે જે પોતે ગુરૂકુળ માં ભણ્યા હતા, ત્યારબાદ ગૃહસ્થાશ્રમાં અનુભવો મેળવે અને તે ગુરૂકુળમાં બાળકોને શિક્ષણ આપવા માટે જતા.

·        ગુરૂકુળ માં સંબંધનું શિક્ષણ મળતું હતું. ગુરૂ – શિષ્ય, આચાર્ય – વિદ્યાર્થી જેવા સંબંધોનું નિર્માણ કરવામાં આવું. બાળકોનો સંબંધ નદી, પર્વત, વનસ્પતિ, પ્રકૃતિ, પશુ – પંખીના અવાજો જેવા સંબંધોનું શિક્ષણ મળતું રહેતું.

·        આજનું શિક્ષણ કારખાના જેવું કાર્ય કરે છે, માલિક એમ વિચારે કે ઓછા પગારમાં વધારે કામ કરાવી લઉ અને નોકરને એમ લાગે કે ઓછું કામ કરીને વધારે પગાર મેળવી લઉ. આવા વિચારોમાં શિક્ષણનો વિચાર આવી શકે જ નહિ. આજનું શિક્ષણ આજીવિકાનું શિક્ષણ આપે છે, આ શિક્ષણ કર્તવ્યની ભાવનાનો વિકાસ કરી શકતું જ નથી.

·        બાળપણથી બાળકોને ગુરૂકુળમાં મોકલવાથી તેઓ ભોગથી દૂર રહેતા અને પ્રકૃતિની નજીક જતા હતા. બાળકોને જંગલમાં જવું પડતું, જીવન જરૂરી કાર્યો પોતે કરવા પડતા હતા. આવા શિક્ષણના કારણે તેમનુ જીવન ઘડતર ચોક્કસ દિશામાં થતું હતું.

·        આજના યુગમાં તમામ સુખસુવિધામા અભ્યાસ કરનાર બાળક આવનારી મુશ્કેલી કોઇ મુશ્કેલીનો સામનો કરી જ ન શકે. આજે તો શાળા પસંદ કરવામાં પણ એમ જોવાય છે કે વ્યવસ્થાઓ છે કે નહિ, સંસ્કારોનું શિક્ષણ મળે કે નહિ તેનો કોઇ વિચાર કરવામાં આવતો નથી.

·        શિક્ષક માટે શિક્ષણ આપવું એ વ્યવસાય હતો જ નહિ. કર્મ, ગુણ, સ્વભાવ, જીવન, ચારિત્ર્ય જેવા શિક્ષણના મૂલ્યોનું શિક્ષણ આપવાનું કાર્ય કરવાની આવશ્યકતા છે.

·        ગુરૂકુળનું શિક્ષણ એ ભાષણનું શિક્ષણ હતું જ નહિ ત્યાં તો ગુરૂનું જીવન જ શિક્ષણનું કાર્ય કરતું. ગુરૂકુળમાં ગુરૂ શિષ્ષણનું કાર્ય કરતું. ગુરૂકુળમાં ગુરૂ કાર્યો પોતે કરવા પડતા હતા.  વ્યક્ત કરવાની પુરી સ્વતંયને માતાની જેમ સંભાળ રાખતા. ગુરૂ પોતાની વિદ્યા સંતાડી જ ન શકે કારણ કે શિક્ષણ આપવું એ વ્યવસાય હતો જ નહિ.

·        ભારત વિશ્વગુરૂ રહ્યો છે તેને ફરી તે સ્થાન આપવા માટે શિક્ષણ નિતી એ ઋષિ નિતી હોવી જોઇએ.

ખરેખર આચાર્યજી સાચા અર્થમાં આચાર્ય છે. તેમના જ્ઞાનની સીમાઓની કલ્પના કરી શકાય તેમ નથી. વ્યક્તિગત એવું લાગતું હતું કે તેઓ પોતાની વિચારધારા વહાવે જ રાખે અને અમે સાંભળતા રહીએ. શિક્ષણ નિતી કેવી હોવી જોઇએ તેનો સરળ ભાષામાં વિસ્તાર પૂર્વક ચિતાર સમજાવી દીધો. સૌએ સ્ટેન્ડિંગ ઓવેશન આપી તાળીઓના તાલે તેમના વિચારોને વધાવી લીધા. આજે ચર્ચાનો વિષય હતા  તે મુજબ શિક્ષક માટે રાષ્ટ્રીય વ્યવસાયિક ધોરણો કેવા હોવા જોઇએ તેની સાથે શિક્ષકે પોતાને ખરા અર્થમાં માર્ગદર્શક બનવાની રીત સમજાવી. મહામહિમ રાજ્યપાલશ્રી રાષ્ટ્રગાન પૂર્ણ કરી વિદાય થયા.

હવે નાનકડો વિરામ લઇને National Professional Standards for Teachers વિષય પર પરિસંવાદની શરૂઆત કરવામાં આવી. શિક્ષક એ શિક્ષણનું કેન્દ્ર છે. તેને તાલીમ, પ્રેક્ટીસ, જેવા વિષયો પર માર્ગદર્શન ચર્ચા કરવામાં આવી. શાળામાં જ શિક્ષકને આચાર્ય દ્વારા માર્ગદર્શન મળે, શિક્ષક તૈયારી કરી શકે, તેના કૌશલ્યમાં વધારો કરતા રહે તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું કાર્ય શિક્ષણ નિતી દ્વારા કરવામાં આવનાર છે. નવી શિક્ષણ નિતીના સ્વરૂપથી સૌ માહિતગાર છે જ. તેમાં શિક્ષકની ભૂમિકા અલગ અલગ છે.

1.      Beginner Teacher Level

2.      Proficient Teacher Level

3.      Expert Teacher Level

4.      Lead Teacher Level

જેવા વિષય પર વિવિધ આયામો પર વિચાર વિમર્ષ કરવામાં આવ્યો. શિક્ષકોએ શિક્ષણનો આધાર નક્કી કરવાનું કાર્ય છે. આજે નાના નાના ગૃપમાં ફેલાયેલ સમાજ છે, કોઇ ગુજરાતી કોઇ મરાઠી પણ શિક્ષણ નિતીથી રાષ્ટ્રીયતા પર વિચાર કરવાની જરૂરીયાતનું મહત્વ સમજાવવામાં આવ્યું. ભારતને ફરી વિશ્વગુરૂ બનાવવાના સફળ પ્રયત્નો કરવામાં શિક્ષકની ભૂમિકાનો વિચાર કરવામાં આવ્યો. જીવનમાં કઇ ન બની શક્યા તો શિક્ષક બની ગયા તેમ ચાલવાનું નથી તેમ કરવાથી શિક્ષક ફક્ત વ્યવસાય પૂરતો મર્યાદિત રહે છે. તેને સઘન તાલીમ આપીને શિક્ષક જ બનવાનું છે તેવું પ્રારંભિક શિક્ષણથી જ નક્કી થવું જોઇએ. શિક્ષકનો રોલ શીખવવાનો નથી, શીખતા કરવાનો છે. આજે રાષ્ટ્રને સારા ગુણવત્તા યુક્ત શિક્ષકોની જરૂર છે. તેમની તૈયારી, પ્રેક્ટિસ, પરફોરમ્ન્સ અને પોતાના કાર્યક્ષેત્રમાં સતત અપડેટ રહેવા માટે સભાન રહેવાનું છે. તેવી સમજ સ્પષ્ટ થઇ.

નવી શિક્ષણ નિતી દ્વારા એક વાત વિચાર કરવાની જરૂર છે કે ઉંમર વધે તેમ પગાર વધે તેમ ન હોય તેમના કાર્ય અને પરિણામ આધારિત રહેવું જોઇએ. નેશનલ એજ્યુકેશન પોલીસીમાં તેમનું મૂલ્યાંકન કરીને જવાબદારી નક્કી કરીને આગળ વધવામાં આવશે. હાલના સમયમાં અનેક શાળાઓમાં એવું પણ બને છે કે કેટલાક શિક્ષકો સમગ્ર સત્રમાં એક પાઠ ભણાવે અને પછી 10/15 દિવસમામ બાકી રહેલ અભ્યાસક્રમ પૂર્ણ કરે તેવા શિક્ષકો ચલાવી લેવાય તેમ નથી. શિક્ષણની શરૂઆત જ Learning થી થવી જોઇએ. સમગ્ર વિશ્વની સફળ પદ્ધતિઓનો અભ્યાસ કરીને તેમાં આપણી પ્રાચીન શિક્ષણ પદ્ધતિનો સમાવેશ કરીને આયોજન કરવું જોઇએ. શિક્ષકો કમીટેડ હોવા જોઇએ તેમના મનમાં ભાવ સતત રહેવો જોઇએ કે તેઓ ખાલી શિક્ષક નથી રાષ્ટ્રના નિર્માતા છે. આજે આપણે ક્યાં જવાનું છે તેની સમજ વગર કાર્ય કરી રહ્યા હોય તેમ લાગે છે. જેમ કે ફુટબોલથી ક્રિકેટ મેચ રમી રહ્યા હોય તેવા વાતાવરણનું નિર્માણ કરી રહ્યા છીએ. શિક્ષક બનવાની તાલીમ શાળામાં થવી જોઇએ. ઇન્ટરશીપ શાળાઓમાં વધારે સમય રહેવી જોઇએ. આજે શિક્ષક ભણે ક્યાંય અને ભણાવે ક્યાંય તો તેનું પરિણામ મળી શકે નહિ. શિક્ષકો માટે સર્ટિફીકેટ, ડિપ્લોમા, ડિગ્રી અને માસ્ટર એમ વિચાર કરી આગલ વધતો અભ્યાસક્રમ લાવવો જોઇએ. શિક્ષકોમાં અસરકાર કૌશલ્યોનો વિકાસ થવો જોઇએ. શિક્ષકને 16 કૌશલ્યોમાં નિષ્ણાંત બનાવવો જોઇએ. તેને નાચતાં, ગાતા, રમતાં, અભિનય કરવાની રીત આવડતી હોય તેવી તાલીમ આપવી જોઇએ.

વિરામ બાદ MENTORING વિષય અંતર્ગત વિચાર કરવામાં આવ્યો. શિક્ષક સાચા અર્થમાં મેન્ટોર બને તેવા પ્રયાસ કરવા. તે પિતાતુલ્ય બનીને કાર્ય કરે તેવું વાતાવરણ આપવું જોઇએ. સતત અપડેટ રહે, માર્ગદર્શન કરી શકે, બુદ્ધિશાળી સલાહકાર બને, તેને સતત સમજ રહેવી જોઇએ કે મારે આગળ શું કરવાનું છે. વિષય શિક્ષણનો અનુભવી વ્યક્તિ જ મેન્ટોર બની શકે. સામેની વ્યક્તિમાં છૂપાયેલ શક્તિને બહાર લાવવુ તે તેનું મુખ્ય કાર્ય બની રહે. મેન્ટોરે વિદ્યાર્થીની તમામ શક્તિઓનો પરિચય મેળવીને તેના તમામ પાસાઓના વિકાસ કાજે પ્રયત્નો કરવા જ રહ્યા.

સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ તજજ્ઞો દ્વારા તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી. સંવાદના અંતિમ સમયે શેરપા મેડમ દ્વારા સારાંશ કરવામાં આવ્યો. IITE ના ઉપ કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ દ્વારા National Education Policy અંતર્ગત IITE ના કાર્યની સમજ આપી તથા સમગ્ર સંવાદની તમામ બાબતો પર સક્ષમ રીતે પોતાના વિચારો રજૂ કર્યા.

ખરેખર અનેક તાલિમ અને સંવાદમાં શિક્ષક તરીકે ભાગ લીધો છે પણ હું આજે વ્યક્તિગત રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ના શાસનાધિકારી શ્રી ડો. એલ.ડી.દેસાઇ સર નો આભારી રહીશ કે તેમને મને આવા કાર્યક્રમમાં જવા માટે પંસદ કરીને મોકલ્યો. તેઓ પોતે પણ આ સંવાદમાં હાજર રહ્યા અને આ તક આપવા માટે તેમનો આભાર.

IITE ના ઉપ કુલપતિ શ્રી ડો. હર્ષદભાઇ પટેલ ખરેખર અભિનંદનને પાત્ર છે કારણ કે તેમના પ્રયત્નોથી જ અમને New Education Policy ગુજરાતી ભાષામાં સરળ અને સમજાય તેમ આપી છે. તેમનો ઋણ સ્વીકાર કરતાં હર્ષની લાગણી થઇ રહી છે.

સમગ્ર સંવાદમાં અનેક મહાનુંભાવોએ પોતાના જ્ઞાનથી અમેને સમજ આપી છે તે સૌનો આભાર.....

 












 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદથી

હેમંત પંચાલ

ઇસનપુર પબ્લિક સ્કૂલ 2

Comments

Post a Comment

Thanks A lots...