સ્વાગતમ્.... વ્હાલા બાળકો......

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ અંતર્ગત આજે બાળકો માટે સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજે  આયોજન પ્રમાણે બાળકો ૬૨૫ દિવસ પછી શાળાના દ્વારે પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા આવી રહ્યા હતા. અમારા માટે આ મોટા ઉત્સવથી ઓછો પ્રંસંગ નથી. આ સમયે ૨૦ મહિના પછી આવતા બાળકને માટે આ દરવાજો જ જુદા વિશ્વ સમાન હશે. તેવા સમયે બાળક શાળાએ આવતુ થાય તે માટે પ્રથમ દિવસે શાળા શણગારી બાળકોને ગમે તેવું સુંદર વાતાવરણ આપવા સફળ પ્રયત્ન કરવામાં આવ્યો. શાળાનાં જે રસ્તેથી બાળકો પ્રવેશ કરે તે રસ્તે ફુલોની ચાદર પાથરવામાં આવી. ફુગ્ગા લગાવીને આખી આખી શાળા શણગારવામાં આવી. જે બાળકોને શાળાએ આવવાનું છે તે જ બાળકોના હાથે તેમની શાળાએ લાગેલ તાળાંને ખોલીને દરવાજો ખોલાવવામાં આવ્યો અને સૌ સમજણ પૂર્વક આગળ વધ્યા.

ખરો આનંદ એ રહ્યો કે તમામ બાળકોનું સ્વાગત સ્કૂલ બોર્ડ સદસ્ય શ્રી માનનીય સર દ્વારા ગુલાબ આપીને કર્યું. શાળામાં ફુગ્ગા લગાવવાના કાર્યમાં SMC ના સભ્યો મદદરૂપ થયા અને વાલીને વિસ્તારમાં જઇ સમજાવવાની નેમ કરી. આમ ખરેખર આનંદ સાથે આજે બાળકોને પ્રવેશ આપ્યો. આંખ આજે ખુશી થી છલકાઈ. અમારા શિક્ષકો ખુબ ખુશ જોવા મળ્યા વાલી પણ વ્યવસ્થા જોઇ આનંદિત થયા. મને ચોક્કસ વિશ્વાસ છે કે બાળકોની હાજરીમાં ચોક્કસ વધારો થશે જ. આ બાળકો આવતી કાલ છે તે ભણશે તો રાષ્ટ્ર વિકાસ કરશે જ.
શાળા એ મકાન નથી શાળા એ ભવિષ્યના ભારતના ઘડતર, પ્રગતિ અને ઉત્થાનને ગતિ આપનાર એકમાત્ર પરિબળ છે. સમાજ, શાળા અને વિદ્યાર્થી ભેગા થાય તો અને તો જ સમાજને નવી ઊંચાઈ સુધી લઇ જઇ શકાશે. 
કોરોના.... 
આ એક શબ્દ ( બીમારી ) એ સમગ્ર વિશ્વની તમામ વ્યવસ્થાઓ હચમચાવી નાંખી છે. આરોગ્ય, શિક્ષણ, ભૌતિક પરિમાણ, પ્રવાસન અને બીજા તમામ ક્ષેત્રો એવું એક પણ ક્ષેત્ર બાકી નથી કે જેને આ શબ્દ એ પરેશાન નથી કર્યા. સૌ હેરાન છે પરેશાન છે. તમામ ક્ષેત્રો આજે ત્રાહિમામ્ પોકારી ગયા છે. તેવા સમયે શાળાઓ પણ આ સમસ્યાથી પરે નથી જ. અમે પણ કંટાળ્યા બાળકો વગર. ઘરે ભણાવવા માટે અનેક પ્રયત્નો થયા જ છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ, ઘરે શીખીએ. શેરી શિક્ષણ, ઓનલાઇન ક્લાસ વગેરે જાવી પ્રવૃત્તિઓ નિરંતર ચાલી છે અને હજુ પણ આગળ ચલાવીશું જ. 
મિત્રો આજે મારે એવી વાત કરવી નથી. આજે તો અમારા માટે આનંદનો અવસર છે. એમાં પણ અમને તો NAS અંતર્ગત અચાનક શાળાનું લીસ્ટમાં નામ આવેલ તો અમને આ આનંદ લેતાં ૩ દિવસ વધારે લાગ્યા. એક દિવસ આયોજન કરવા માટે જોઇએ. બાળકોને કોલ કર્યા, વાલીના સંમતિપત્રક લીધા. બાળકોને શાળાએ આવવા સમજાવ્યા. અને આજે શાળામાં બાળકોના સ્વાગતનો કાર્યક્રમ નક્કી કર્યો.
આમ તો શાળાના શિક્ષકો શ્રી અશોકભાઇ, સમીરભાઇ, રાજેન્દ્રભાઇ, વિક્રમસિંહ તથા તમામ બહેનોએ મનમાં નક્કી કરેલું કે જ્યારે પણ બાળકો આવે આપણે તેમનું સ્વાગત કરવું જ છે. મિત્રો શિક્ષણ સિવાયના અનેક વિભાગો પણ બંધ જ હતા. તમામ કચેરીઓ ખુલી ગઇ છે પણ શાળાઓ ખુલવાનો આનંદ શિક્ષકોને સૌથી વધુ છે એવો મારો સ્પષ્ટ મત છે. આતુરતાપૂર્વક રાહ જોઇ હતી કે અમારી શાળા તો ૧ થી ૫ ની તો તેમાં બાળકો આવે....!!! એ દિવસ પણ આવ્યો અને આજે અમે તૈયારી કરીને બાળકોનું સ્વાગત કાર્ય કર્યું. 
આયોજન તો પહેલેથી જ હતું તે પ્રમાણે સરકારી ગાઇડલાઇન મુજબ બાળકોને બોલાવવા શિક્ષકોએ જહેમત ઉઠાવી. ઘણો સમય થયો હતો. ૧૧ માર્ચ ૨૦૨૦ એ શાળાઓ બંધ થયેલી અને આજે ૨૬ નવેમ્બર ૨૦૨૧... આજે ૬૨૫ મા દિવસે બાળકો શાળામાં આવ્યા. અંદાજ કરો કે એક બાળકનો પ્રવેશ ધોરણ ૧ માં થયો ને આજે એ ભણ્યા વગર સીધો ધોરણ ૨ માં.... કેટલું કાર્ય બાકી હશે હવે અમારા પક્ષે જવાબદારી મોટી છે અને અમે શિક્ષકો તેને સમજી રહ્યા છીએ. 
અમને ખબર છે કે આ બાળકોએ 
મોબાઇલ ભણવા માટે ભણવા માટે પકડેલો પણ હવે એ મોબાઇલે બાળકોને પકડી લીધા છે.
પેલો છોટા ભીમ અને ડોરેમોન તો જરા પણ આ ભૂલકાઓને દૂર કરવા તૈયાર નથી.
ઘરની ચાર દિવાલો બહારનું વાતાવરણ વીસરી ગયા છે.
પુસ્તક સાથે તેમના ધોરણ ૧ માં પ્રવેશ કરેલો ત્યારે બંધાયેલ પ્રિતથી તો તેમને કોઇ મતલબ જ નથી.
રિમોટ સાથે મિત્રતા ગહન થઇ ગઇ છે.
તેવા સમયે આ બાળકોને અમારે શાળાએ લાવવા એ મોટી સમસ્યા છે ત્યારે
મોબાઇલ છોડાવીને પુસ્તક આપવું છે
ઘરની દિવાલો ભુલાવીને પેન્સિલ આપવી છે
છોટા ભીમ ભુલાવીને બાળગીતોનો આનંદ આપવો છે
અને અમે આ કરીશું જ. તેમાં મને કે કોઇ સરકારી શાળાના શિક્ષકને લેશ માત્ર શંકા નહિ જ હોય. હવે કરવાનું કામ છે કે બાળકને શાળા તેને ૨૦ મહિના જે કર્યું છે તેવું જ પારિવારિક વાતાવરણ આપવું. 
બાળકોને પ્રવેશ આપીને સામાજિક અંતર જાળવતાં તમામને વર્ગમાં અભ્યાસ કાર્ય કરાવવામાં આવ્યું બીજી તરફ માનનીય સ્કૂલ બોર્ડ સભ્ય શ્રી ધર્મેન્દ્રભાઇ સર દ્વારા SMC ના સભ્યો સાથે એક મિટીંગનું આયોજન કર્યું. એસએમસી દ્વારા શાળાના કાર્યોની જાણ કરવામાં આવી. સાહેબ શ્રી ખરેખર ખુશ થયા. તેમને પણ આનંદ રહ્યો કે શાળા પરિવાર સતત શૈક્ષણિક કાર્ય તથા ભૌતિક રીતે શાળાને શ્રેષ્ઠ બનાવવા શિક્ષણ સમિતિના સહયોગ અને અધિકારીશ્રીના માર્ગદર્શનથી કામ કરવા પ્રયત્ન કરી રહ્યો છે.
સમગ્ર કાર્યક્રમમાં અમારા ઉત્સાહી સીઆરસી કો-ઓર્ડીનેટર શ્રી દિલીપભાઇ પાટિલ હાજર રહ્યા. હાજર રહ્યા એટલું જ નહિ તેમને પણ મદદ કરી બાળકોને પુષ્પ અને શાળા દ્વારા લાવેલ ભેટ દ્વારા સ્વાગત કર્યું.
આભાર માનીએ અમારી SMC ના સદસ્યોનો કે જેમને શાળાને સતત પોતાની સમજી જ છે અને મદદરૂપ થયા છે. વાલીઓનો પણ આભાર અને એ તો આજે ખુશ જણાયા કારણ પોતાના બાળકો પર એ પુષ્પ વર્ષા કરી રહ્યા હતા.
સૌથી વધારે આભાર મારી શાળાના શિક્ષકોનો કે જેમને એક અવાજે સ્કૂલ બોર્ડ અંતર્ગત બાળકોને અમારી શાળામાં સ્વાગત કરવા માટે જહેમત ઉઠાવી. ભાઇઓ દ્વારા બહારની તમામ વ્યવસ્થા કરવામાં આવી. સવારે હું ફુલ લઇ આવેલ, તે તમામ ની પાંખડી અલગ કરી રસ્તો શણગાર્યો. તેમનો આભાર માની શકાય તેમ નથી. ખાલી ઋણ સ્વીકાર કરી શકાય. 
ખરેખર આજે બાળકો ખુશ જોઇને મન ખુબ આનંદિત છે.ઇશ્વરને પ્રાર્થના છે કે હવે આવે સમય ન લાવે કે બાળપણમાં વાવવાનું રહી જાય.....

આપનો
હેમંત પંચાલ
Contact us - 7567853006
Isanpur Public School 2
twitter - @AmcIps2




































Comments

  1. ખૂબ સરસ સ્વાગત કાર્યક્રમ આયોજન
    શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન..👌👌✅

    ReplyDelete

Post a Comment

Thanks A lots...