ગાંધી જયંતી ઉજવણી

 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. બાળકોમાં સંસ્કારનું સિંચન થાય તે માટે સતત મહાનુભાવોના જીવનનો અને તેમના કાર્યોની સમજ બાળક સુધી લઇ જવી પડે. નવીન વિચારો દ્વારા સતત શાળાઓના વિકાસ માટે પ્રયત્નો થઇ રહ્યા છે. બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. તેના પરીણામો ચોક્કસ આવનાર ભવિષ્યને થવાના જ છે.

ભારત એ સૌથી વધારે પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. અનેક ભાષા, ધર્મ, સંપ્રદાય, બોલી, વાણીથી અલગ હોવા છતાં પણ વિવિધતામાં એકતાના દર્શન કરાવે છે. વર્ષોથી ગુલામ રહેલ દેશને સ્વતંત્રતા અપાવવી તથા તેમાં સ્વતંત્રતાને અનુરૂપ સમજ કેળવવી એ અતિ આવશ્યક બાબત બની રહે છે. તેવા સમયે બાળકોમાં ગાંધીજી સહિત તમામ મહાનુભાવોના કાર્ય અને જીવનના સિદ્ધાંતોની સમજ કેળવાય તે માટે સરકાર દ્વારા સતત નવીન આયોજન કરવામાં આવે છે.

આ વર્ષ ભારત માટે ખુબ મહત્વનું વર્ષ છે. આ વર્ષે સ્વતંત્રતાને 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તેમાં શું મેળવ્યું શું ગુમાવ્યું તેની ચર્ચા કરવાનો હાલ સમય નથી. તે વિશે વિગતે વાત કરીશું. શાળા એ સમાજને આવતી કાલે ક્યાં લઇ જવો તેની દિશા નક્કી કરે છે. શાળામાં આવનાર બાળકને આવનાર ભવિષ્ય માટે તૈયાર કરવાનું કાર્ય શિક્ષકો કરે છે. તે બાબતે સમગ્ર રાષ્ટ્રમાં કોઇને સમસ્યા નથી. 

ગાંધીબાપુ સૌના આદર્શ રહ્યા જ છે તેમાં કોઇ શંકા નથી. બની શકે કોઇ જગ્યાએ આપણો વિરોધ હોય પણ તેમને આપેલ ગ્રામ સ્વરાજ અને નઇ તાલીમ ને જો તેમના વિચારે અમલ કરવામાં આવે તો ચોક્કસ એક શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકાશે. ખાદી તેમને આપેલ એવો મંત્ર છે કે જે સમગ્ર રાષ્ટ્રને સમૃદ્ધ બનાવી શકે પણ તે ખાલી બનાવવી કે પ્રસંગે પહેરવી તેમ કરતાં રોજિંદા ઉપયોગમાં પણ લાવવામાં આવે તો ચોક્કસ પરિવર્તનનું માધ્યમ બની શકે. બુનિયાદી શિક્ષણ આજે પાયાની આવશ્યકતા છે. તેમના મૂલ્યો જીવનમાં લાવવાનો પ્રયત્ન પ્રત્યેક શાળાએ કરવો જ રહ્યો.

આજ રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ અંતર્ગત શાળાઓમાં ત્રણ બાબતે ઉજવણી કરવામાં આવી. અમારી શાળા ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 અંતર્ગત પણ ત્રણે વિભાગમાં કાર્ય કરવામાં શિક્ષકોએ ઉત્સાહ સાથે ભાગ લીધો અને તે બાબતે સંકલ્પિત થયા.

1. ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા પ્રતિજ્ઞા અને સ્વચ્છતા કાર્યક્રમ

2. ગાંધી જયંતિ નિમિત્તે વૃક્ષારોપણ

3. FLN સંદર્ભે માન. શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને બાયસેગ દ્વારા માર્ગદર્શન તાલીમ

ઉપરોક્ત ત્રણે કાર્યક્રમની ઉજવણી અમારી ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માં કરવામાં આવી. આજે તમામ શિક્ષકો સવારે સમય કરતાં વહેલા શાળામાં આવ્યા. સૌ પ્રથમ બાયસેગ દ્વારા આપવામાં આવનાર તાલીમમાં હાજર રહ્યા. કોરોનાનો સમય સૌથી વધારે બાળકો માટે ખરાબ રહ્યો છે. શાળાઓ બંધ રહી, શિક્ષકો અને વાલીઓએ ઘરે શીખવવા માટે પ્રયત્નો કર્યા છે, પણ પ્રત્યક્ષ શિક્ષક ભણાવે તેવો માહોલ અને કાર્ય તો શાળામાં જ થઇ શકે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ આ બાબતે ચિંતિત રહીને આગળના આયોજન કરી રહી છે. બાળકને પાયાના કૌશલ્યો તો આવડવા જ જોઇએ. વાંચન લેખન ગણન જેવા ક્ષેત્રો બાળક પ્રાથમિક શિક્ષણ દરમ્યાન પૂર્ણ કરે તે આવશ્યક બાબત છે. જો કે ધોરણ 10 માં પણ 100% બાળકો સફળ થતા નથી. તો તમામ બાળકો સફળ થાય તેવી અપેક્ષા રાખી શકાય નહિ. 

આજ રોજ શિક્ષણમંત્રી શ્રી દ્વારા શિક્ષકો માટે હકારાત્મક વિચારો રજુ કરવામાં આવ્યા. શાળાઓમાં થતા કાર્યક્રમની ચર્ચા કરવામાં આવી. શિક્ષકો પણ સતત કાર્ય કરે છે તે સાથે આવા કપરા સમયે બાળકો જ્યારે ધીરે ધીરે શાળાએ આવી રહ્યા છે તેવા સમયે તેમને FLN અંતર્ગત પાયાનું શિક્ષણ મેળવે. તે અંતર્ગત કરવામાં જરૂરી તમામ પ્રયત્નો કરવા માટે શિક્ષકો પણ તૈયાર થયા. 

બીજો કાર્યક્રમ રહ્યો સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવી. અમારી શાળાના તમામ શિક્ષકો સ્વચ્છતા બાબતે ગંભીર રહે છે. શાળા સંકુલ ને સ્વચ્છ રાખવા માટે દર મહિને લોકસહયોગ કરે છે. આજ રોજ સ્વચ્છતા અંતર્ગત શપથ લેવામાં આવી. સૌ તે માટે પહેલેથી જ સજાગ છે. તે અંતર્ગત વધારે સજ્જ થવા માટે સૌએ નિશ્ચય કર્યો. સૌએ એક સાથે સ્વચ્છતા માટે પોતાની કટીબદ્ધતા દર્શાવી. 

ત્રીજો આજે એજન્ડા રહ્યો વૃક્ષારોપણ.

શાળાના 23 શિક્ષકોએ એક સાથે એક થઇને 25 વૃક્ષોનું  વાવેતર કર્યું. શાળામાં પહેલેથી જ ધોરણ 1 થી 5 ના શિક્ષકોએ પરિશ્રમ અને આર્થિક સહયોગ કરીને ખૂબ સુંદર વાતાવરણનું નિર્માણ કરેલ જ છે. આપ સૌને પણ યાદ જ હશે કે ઉનાળાના સમયમાં શિક્ષકો સુરેન્દ્રનગર જઇને કેતનભાઇ ના સહયોગથી કૂંડા લઇ આવ્યા. તેનો તમામ ખર્ચ ધોરણ 1 થી 5 ના શિક્ષકોએ આપેલ. તેમાં માટી લાવીને વાવેતર કરેલ તે તમામની માવજત અમે ઉનાળાની ગરમીમાં પણ કરેલ. છતાં આજે બાપુની યાદમાં અને આઝાદીના અમૃત મહોત્વસ અંતર્ગત પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. બગીચા ખાતા સાથે વાત થયેલી તેઓ વડ, લીમડો, અળડૂસી તથા તુલસી જેવા 25 છોડ ઇસનપુર પબ્લિક સ્કૂલ 2 માટે આપી ગયા હતા. આજે તાલીમ પૂર્ણ કર્યા બાદ બપોરે અમારા તમામ શિક્ષકોએ સ્વચ્છતાની પ્રતિજ્ઞા લીધી અને વૃક્ષારોપણ કર્યું. સાથે શિક્ષકોએ તેની માવજત માટેની તૈયારી પણ કરી.

આમ આજે શાળામાં વિવિધ આયોજન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યા. વૃક્ષારોપણ માટે એસ.એમ.સી ના સભ્યોને પણ આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા હતા. તે પણ હાજર રહીને કાર્ય કરવાનો આનંદ તેમને પણ લીધો. આગામી સમયમાં અમારી શાળામાં પણ બાળકો આવશે તેવો વિશ્વાસ સોને છે. બાળકો વગર શાળા સુની લાગે જ છે. પણ કોરોના ના કારણે સરકાર દ્વારા અમારા જેવી અનેક શાળાઓ કે જેમાં ધોરણ 1 થી 5 ચાલે છે તે શાળામાં બાળકોને બોલાવવા માટે હજુ સાવચેતીના પગલા રૂપે નિર્ણય કરેલ નથી. તેવા સમયે બાળકોને જ્યારો પણ શાળાએ આવવાનું થાય ત્યારે તેમને ગમે તેવી સુંદર શાળા તેમને મળે તેવું કાર્ય કરવું છે.

સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ કાર્ય કરી રહ્યો છે. ચોક્કસ આપણે કોરોનાને પણ હરાવીશું જ તેમાં કોઇ શંકા નથી પણ મિત્રો તેના માટે સૌએ જાગૃત થવાની જરૂર છે. જ્યારે સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે પણ તમામ ક્ષેત્રોમાં આપણું યોગદાન આપવું પડશે. જેમ કે....

1. તમામ આપણા ઘર અને ઘરના સભ્યોને સ્વચ્છતા બાબતે સભાનતા કેળવવા માટે તૈયાર કરીશું અને રહીશું.

2. આપણે ગંદકી કરીશું નહિ અને કોઇને કરતા રોકવાનું કાર્ય પણ કરીશું.

3. પર્યાવરણ સુરક્ષા માટે એક વૃક્ષનું વાવેતર કરીશું અને તેનું જતન પણ કરીશું.

4. બાળકોને શાળાએ મોકલીશું અને તેમને અભ્યાસમાં મદદરૂપ થઇશું.

5. જાહેર મિલકતનું જતન અને સંભાળ કરીશું.

આવી અનેક વાતો આપ સૌના મનમાં પણ હશે. તેવું આપણે કરી શકીએ. શહીદોએ પોતાના જીવનના બલિદાન આપ્યા છે. આ આઝાદી અનેક શહીદોના લોહીથી રંગાયેલી છે તેનું સન્માન કરવા માટે રાષ્ટ્ર માટે એક એક સંકલ્પ કરી તેને પૂર્ણ કરવા પ્રયત્ન કરીએ અને તેમાં સફળ થઇએ..

#IsanpurPublicSchool_2

સંપર્ક નંબર - 7567853006

Email Id - vaishwika@gmail.com

@AmcIps2




























Comments