નવા નદીસર....
સમગ્ર રાજ્ય અને આજે ભારત વર્ષ જેને મસ્તી કી પાઠશાલા ના નામથી જાણે છે, જેને એ નામથી ઓળખે છે, તેને અનુસરે છે, શિક્ષણમાં તેને વિચારે છે, તેના પંથે ચાલવા પ્રયત્ન કરે છે, તેના જીવનમાં ઉતારવા મથે છે એવી એક શાળા.... માફ કરશો શાળા શબ્દ આ ગુરૂકુળ માટે નાનો લાગે છે, વામણો લાગે છે....
આજે હું પ્રયત્ન કરી રહ્યો છું એક એવી શૈક્ષણિક સફરને વર્ણવવા કે જેના માટે શક્તિ ઓછી છે તો ક્યાંય ક્ષતિ જણાય તો ચોક્કસ મારી જ હશે તે બાબત નવા નદીસર માટે નથી જ તે ચોક્કસ મનમાં નક્કી કરીને જ વાંચશો. કોઇ ક્ષતિ જણાય તો પહેલેથી જ ક્ષમાપાર્થી છું.
કારણ મસ્તી કી પાઠશાલા.... નવા નદીસર એ તો
ખરેખરનું સર્જન છે,
વિચારોનું વિસ્તારક છે,
સંકલ્પોનું સાકાર સ્વરૂપ છે,
સંઘર્ષોમાંથી સફળ થયેલ સપનું છે,
બાળસમજની સાકારિત પરિકલ્પનાઓનું સફળ સરનામું છે,
માનવ ઘડતરના પાયાની કેળવણીનું ઠેકાણું છે...
આપ સૌ પરિચિત જ છો નવા નદીસરથી તેનો મને વિશ્વાસ જ છે પણ મારે કહેવું છે કે નવા નદીસર વાસ્તવિક કેવું છે, તેનું સ્વરૂપ, તેનું આગણું, તેનુ પરિસર, તેની ભાવનાઓ, તેનો કર્મયોગ કેવો છે તે વિશે વાત કરવી છે.
ચાલો મિત્રો મારી સાથે મસ્તી કી પાઠશાલાની સફરે...
હા સફર પરથી યાદ આવ્યું કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત અમારી શાળા ઇસનપુર પબ્લિક સ્કૂલને નવી દિશામાં લઇ જવા માટે સ્કૂલ બોર્ડના તમામ અધિકારીશ્રી તરફથી અમને સતત સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે છે. તેમના આશીર્વાદને અમે સાકાર સ્વરૂપ આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેવા પ્રયત્નોના ભાગ રૂપે એક દિવસ શાળામાં રજા રાખી વિરાભાઇ પટેલિયા, અશોક પંચાલ અને યોગેશ કાપડિયા સાથે વિદ્યાર્થી બનીને શરૂઆત કરી નવા નદીસરની મુલાકાત કરવાની.... ઘણા સમયથી મને ઇચ્છા હતી કે સમગ્ર રાજ્ય અને દેશ જે શાળાને જોઇને ઉત્સાહીત થાય છે તો અમારે કેમ બાકી રહેવું ?
લોકડાઉન પહેલા મુલાકાતે નીકળેલા અને હું આજે મારી જાતને તૈયાર કરી શક્યો છું #Rakesh_Nvndsar વિશે વાત કરવા... મિત્રો નવાઇ લાગશે કે નવા નદીસરની વાત કરતાં હું ક્યાં #Rakesh_Nvndsar ની વાત કરવા લાગ્યો...!!! પણ મિત્રો પ્રાણ વગર તનની કોઇ કિંમત નથી, સૂર્યોદય વગર સવાર અધૂરી લાગે છે, પૂર્ણ ખિલેલ ચંદ્ર વગર પૂર્ણિમા અધૂરી રહે, તેમ #Rakesh_Nvndsar વગર આ મસ્તી કી પાઠશાલા ( નવા નદીસર ) અધૂરી જ છે અને સદૈવ હશે જ એવો મને વિશ્વાસ છે. તો હવે જ્યારે આપ #Rakesh_Nvndsar વાંચો તો જાતે સમજી લેશો કે હું નવા નદીસરની જ વાત કરૂ છું. કારણ મારી મુલાકાતે મે અનુભવ્યું તે મુજબ બન્નેને હું અલગ જોઇ શકવા સમર્થ નથી, હું જ શું કામ #Rakesh_Nvndsar પણ પોતાની જાતને નવા નદીસરથી અલગ કલ્પી શકે તેમ નથી. તો નામમાં કંઇ નથી.
મુ્દ્દાની વાત પર આવીએ પરત તો અમે અમારી શાળાને નવી દિશામાં આગળ લઇ જવાના આશયથી અમે #Rakesh_Nvndsar ની મુલાકાતે નીકળેલા. ગોધરા તરફ જતાં જતાં અમે ચારે ચર્ચા કરી રહ્યા હતા કે એક શિક્ષક ચોક્કસ સર્જન જ કરી શકે. તે માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે એ તો #Rakesh_Nvndsar ને મળીને ખબર પડે. રસ્તામાં નાસ્તો કરીને અમે બરાબર પ્રાર્થના સમયે નવા નદીસરમાં શિષ્ય બનીને પ્રવેશ કરી રહ્યા હતા. હૈયામાં ઉંમગ હતો અને શીખવાની તાલાવેલી તો હતી જ. પ્રાર્થના શરૂ હતી તો સીધા ત્યાં જ ગયા. બાળકો દ્વારા સ્વયં સંચાલિત પ્રાર્થના, સરકાર તથા શિક્ષણ વિભાગ દ્વારા ભવિષ્યના કાર્યો માટે કરવામાં આવતા પરિપત્રોનું સાચા અર્થમાં બાળકો જ અર્થ કરે અને કરવાના કાર્યનું જાતે આયોજન કરે... હૃદય પુલકિત થઇ રહ્યું કે નાના નાના બાળકો જાતે જ પોતે કરવાના કાર્યનું આયોજન કરે અને સરકાર શું કરાવવા માંગે છે તે સાચા અર્થમાં સમજી શકે અને તેનું આયોજન કરી શકે...!!! અદ્ભૂત અનુભવ અને ખોવાઇ જવાનો સમય હતો. તમામ વિદ્યાર્થીઓ સ્વયં સંચાલન કરીને પોત પોતાના વર્ગમાં ગયા. ખરેખર મજા આવી ગઇ.
અમારી અપેક્ષાઓનું વિશ્વ વિશાળ હતું જેની કલ્પના મને પુરી હતી, પણ નવા નદીસરમાં પ્રવેશ કરતાની સાથે અનુભૂતિ થઇ રહી કે મારા વિશ્વમાં સમાયેલ તમામ કલ્પનાઓ અહીં વાસ્તિક સાકાર થયેલ છે. #Rakesh_Nvndsar તો વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે ગયા અમને શાળાના એક વિદ્યાર્થીને અમેને સોંપીને કે શાળાનો આ વિદ્યાર્થી હવે તમારો ગુરૂ છે. અમે પણ જિજ્ઞાસાવશ શિષ્ય બનવા તૈયાર જ હતા. ધોરણ 8 ના એક વિદ્યાર્થીઓ અમને શાળાની મુલાકાત કરાવી. ખાતર નિર્માણથી લઇ પેરિસ્કોપ સુધી, એમ્ફી થીયેટરથી લઇ ગાણિતિક સંકલ્પનાઓ સુંધી, કિચન ગાર્ડનથી લઇને ઔષધ બાગ સુધી, રમતના મેદાનથી લઇને વિવિધ રમતો સુધી, મધ્યાહન ભોજનના રસોડાથી લઇ મિનરલ વોટરના પ્લાન સુધી, સેનીટેશનથી લઇને પીવાના પાણીની વ્યવસ્થા સુધી, મેદાનથી લઇને બગીચા સુધી.... ખરેખર આ બાળક અમને પુરી સમજ આપીને પણ સતત સમજાવવા પ્રયત્ન કરી રહ્યો હતો. તેના અવાજમાની સ્થિરતા અને શાળા સંચાલનનો અનુભવ જોઇને અમે ચારે આનંદિત હતા.
પોતાનો વર્ગ લઇ #Rakesh_Nvndsar સાથે ચર્ચા કરવાનો સમય હતો. અમારી પાસે એક જ દિવસ હતો અને મુલાકાત કરવા નીકળેલા શિક્ષણના, કેળવણીના પુરા હિમાલયની. અમે જિજ્ઞાસા વશ આગળ વધતા રહ્યા અને એક સમર્થ શિક્ષક સાથે ચર્ચા કરી રહ્યા હતા. #Rakesh_Nvndsar એ તેમના અનેક અનુભવો અમારી સાથે શેર કર્યા. નવા નદીસરમા જ્યારે શિક્ષક તરીકે મુકાયા ત્યારે કોઇ વ્યવસ્થા હતી જ નહિ. શાળાના મકાનમાં જાતે લીંપણ કરતા અને ત્યારે લોકો મૂર્ખ સમજીને વાતો કરતા. જ્યાં રૂમ નહોતો ત્યાં શ્રેષ્ઠ શાળાનું નિર્માણ કરવું એ કેટલો પરિશ્રમ હશે તેની કલ્પના કરવી આપણી શક્તિ નથી. બાળકો શોધવા જવાના, નદીસર ગામનું પરુ એટલે વિદ્યાર્થીઓના વાલી સામાન્ય ઘરમાંથી આવે અને એ પણ રોજગારી માટે આવે તો બાળકોને ભણાવવાની તો વાત તેમના મનમાં આવે જ કઇ રીતે.... તેવા બાળકોને ભેગા કરવામાં જ ઘણો સમય ખર્ચ થઇ ગયો. ધીમે ધીમે સમાજમાં શિક્ષણની સમજ વધાવામાં સફળતા મળી અને આજે આપણે સૌ આ શાળાને જોઇ રહ્યા છીએ. એક શેડ બનાવ્યો અને તેના એક સાથે વિવિધ ઉપયોગ થાય. અસ્સલ ગામડાનો અનુભવ થાય તેવી શૈક્ષણિક શાળા. આ શાળાની એક એક દિવાલ બોલે છે. એક એક કણમાં મા સરસ્વતીનો નિવાસ છે. વાતો કરતાં કરતા અમે નદીસરની એક એક વાત સમજવા પ્રયત્ન કરી રહ્યા હતા.
#Rakesh_Nvndsar એ બાળકોને ગમે એવી શાળા બનાવી જ નથી. તેમને તો બાળકો કહે તેવી શાળા બનાવી છે.
બાળકો કહે તે પ્રમાણે ઇજનેર નકશો બનાવે આ ખરેખર સૌથી મોટી સિદ્ધી છે.
મકાન ક્યાં બનાવવું, સીડી ક્યાં રાખવી તમામ બાબતોનો વિચાર બાળકોની સમિતિ કરે તે ખરેખર નવાઇ લગાડે તેવું છે.
પાણી પીવાના નળ બાળકોની ઉંચાઇ પ્રમાણે ગોઢવાયેલા છે.
વેસ્ટ પાણીનો નિકાલ કરવાની ચોક્કસ વ્યવસ્થા છે.
પ્રાર્થના અને મધ્યાહન માટેનો શેડ લીંપણથી તૈયાર કરેલ છે.
બગાીચામાં સુંદર લોન છે.
પુસ્તકાલય સંપૂર્ણ બાળ સંચાલિત છે.
તમામ વર્ગોમાં જરૂરી શૈક્ષણિક સાધનો તૈયાર છે.
ફરિયાદ પેટીમાં તેમની ફરિયાદો હોય અને તે જાતે મળીને તેનું સમાધાન કરે છે.
વિદ્યાર્થીની રજાની ચિઠ્ઠી લખેલી જણાય છે.
એલેક્સા બાળકોના પ્રશ્નોના જવાબ આપે છે.
આ બધી ભૌતિક વ્યવસ્થાઓની વાત કરવા માટે કદાચ સમય ઓછો પડે એમ લાગે છે. તો આપણે શાળાને શૈક્ષણિક કરતાં કેળવણીમય વધારે બનાવે છે તેવા પાસા વિશે વધારે ચર્ચા કરવી જોઇએ.
સૌથી મોટું આકર્ષણ છે નાગરિક ઘડતર સમિતિ.....
અહી વિદ્યાર્થીઓ પોતની રીતે લોકશાહી ઢબે વિવિધ સમિતિમાં પોતાના નેતા નક્કી કરે છે. અને નક્કી કરેલા નેતા તથા તે સમિતિના સભ્યો જ જે તે નિર્ણય કરે છે. આ નાગરિક ઘડતર સમિતિ ખરેખર ભવિષ્યના ભારતનું નિર્માણ કરી રહી છે. બાળકો દ્વારા શાળાનું સંચાલન થાય તે ખરેખર શ્રેષ્ઠતાનું દર્શક છે. શાળાના તમામ ધોરણના પ્રતિનિધી આ સમિતિઓમાં રહે છે. #Rakesh_Nvndsar ના મુજબ બાળકો અને તેના વાલીના મનને જીતવામાં આ સમિતિ ખુબ આશીર્વાદરૂપ રહી છે.
બોલતા વર્ગખંડો શાળાની બીજી મોટી શક્તિ છે. અહી વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે કોઇ ભેદ નથી. શાળાનો એક વિદ્યાર્થી કે જે સતત વિડીયોમાં આવે છે ( નામ આપ જાતે શોધી શકશો જો શાળાના ફેસબુક પેજની મુલાકાત કરશો તો ) તેની સાથેની મુલાકાત પણ આનંદદાયી રહી. પણ આવા તો અનેક વિદ્યાર્થી જોવા મળે છે. દોડતુ બાળક આવે અને રાકેશ સર ગોપાલ સર કરતું આવે અને ભેટી પડે.... ખરેખર આ આનંદ વર્ણવવા માટે શબ્દો છે જ નહિ. અભ્યાસક્રમ માટે પણ સરસ આયોજન જોવા મળે પણ સાચા અર્થમાં અધ્યયન નિષ્પત્તિ બાળકોમાં ઉતરે તે માટેે પુરતો સફળ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
વર્ગોની બેઠક વ્યવસ્થા એવી કે એક સાથે અને બાળકોનું મુલ્યાંકન કરી શકાય. તમામ બાળકો પોતાનો જવાબ આપી શકે, દરેક ધોરણમાં સહપાઠી શિક્ષણ થઇ શકે. ગૃપ પણ એવા કે વિદ્યાર્થીઓ જાતે પોતાના ગૃપ પસંદ કરી શકે. ખરેખર હું આ બધું કહું છું પણ તમે જાતે મુલાકાત કરશો તો મે કહ્યું એ સિવાય વધારે લઇને આવશો.
શાળામાં એક નહિ પણ અનેક મુખ્ય શિક્ષક.... હા વિદ્યાર્થીઓ નિર્ણય કરે તે પ્રમાણે આયોજન અને #Gopal_Navdsar શાળાનું બીજુ આકર્ષણ છે. શાળાનો તમામ વહીવટ તેઓ કરે છે. દંપત્તિ શાળામાં પણ શાળા જ એમનું ઘર છે. શાળાની તમામ સમસ્યાનું સમાધાન લઇ આવવાની તમામ શક્તિ આ શિક્ષકમાં છે. શાંતિપ્રિય અને માર્મિક વિચારધારા ધરાવતા આ શિક્ષક અને બીજા તમામ શિક્ષકો ખરેખર વંદનને પાત્ર છે.
શાળાને મળેલ શીલ્ડ, પ્રમાણપત્રની વાત તો કરવી જ શું.... આખો એક રૂમ નાનો પડે... પણ સૌથી મોટી વાત કરૂ તો #Rakesh_Nvndsar ને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. તો આપ જાતે જ કલ્પના કરી શકો કે શાળાની બીજી સિદ્ધિઓ તો કેટલી હશે. પણ મિત્રો આ પ્રમાણપત્રો તો નાના લાગે જ્યારે આખુ ગામ એક શિક્ષકના સન્માન માટે ઉભુ થાય... હા શ્રેષ્ઠ શિક્ષકના સન્માન પછી નવા નદીસરે #Rakesh_Nvndsar નું એવું સ્વાગત કરેલ કે તે જોઇ મને એવું લાગેલ કે શિક્ષકનું સન્માન કરવામાં સમાજ ક્યારેય પાછળ રહેતો નથી.
કહેવા માટે ઘણું છે. પણ શબ્દો મળતા નથી. સાથે જમ્યા, ચર્ચા કરી અને #Rakesh_Nvndsar અને #Gopal_Nvndsar તથા સમગ્ર નવાનદીસરે અમને અમારી શાળા માટે જ્યાં જરૂર પડે ત્યાં મદદ અને માર્ગદર્શન માટે આશ્વાસન આપ્યું.
મિત્રો ચાણક્યને આજે પણ જીવતા કરી શકે એવા મુછાળી મા જેવા શિક્ષકો જોઇને કોઇ પણ વિદ્યાર્થીને અહી ભણવાનું મન થાય તે સહજ છે. વાલી પણ એમ જ વિચારે કે મારા બાળકને #Rakesh_Nvndsar શાળામાં ભણાવું. પણ શાળા સરકારી નિયમોનું પુરુ પાલન કરે છે. બાળકો સાચા અર્થમાં કેળવણી મેળવી રહ્યા છે. ગુજરાતનું કદાચ પહેલું શાળાકીય મેગેજીન - બાયોસ્કોપ - #Rakesh_Nvndsar એ જ શરૂ કર્યું હશે.... અનેક ટીવી ચેનલો સાથે શિક્ષણ માટે ચર્ચા કરતા આપણે તેમને જોયા છે. સદૈવ પોતાની શાળાના પ્રયોગોથી સમાજને નવી દિશા આપવાનું કાર્ય કરતા રહે છે. વિવિધ રીતે આ શાળા સમાજમાં શ્રેષ્ઠ ઉદાહરણ રૂપ બની રહી છે.
હાલ અહી હું મને રોકી લઉ છું જો કે કહેવા માટે ઘણું છે કારણ ગુજરાતની અનેક શાળાઓએ #Rakesh_Nvndsar ની નવા નદીસર શાળાની મુલાકાત કરીને પોતાની શાળામાં પરિવર્તન કર્યા છે. આગળ પણ આ શાળા સમાજ માટે પ્રેરણા અને માર્ગદર્શન કરતી જ રહેશે કારણ શિક્ષણના દિવસો હોતા જ નથી તે તો નુરંતર ચાલતી પ્રક્રિયા છે. જ્યારે નવા નદીસર તો ખરા અર્થમાં નાગરિક ઘડતર કરે છે.
વંદન છે આવા શિક્ષકોને કે જેમને આજે પણ ચાણક્ય, યાજ્ઞવલ્કય, સોક્રેટિસ, ખલિલ જિબ્રાન, મુછાળી મા અને ડો.રાધાકૃષ્ણન જેવા અનેક શિક્ષકોને આજે પણ જીવંત કરી રહી છે.
ફરીથી કહું છું કે ક્યાંય લખવામાં કચાશ હશે તો એ મારી વ્યક્તિગત છે. મારે ઘણા સમયથી આપ સૌ સમક્ષ નદીસર અને #Rakesh_Nvndsar ને લઇ આવવું હતું પણ હું જ તૈયાર ન હતો, અને આજે પણ નથી પણ વાત ન કરીને હું અનેક શાળાઓનું નુકશાન કરવાની ઇચ્છા ધરાવતો નથી. મારો સ્પષ્ટ મત છે કે આપ ચોક્કસ એક વાર #Rakesh_Nvndsar ની મુલાકાત કરીને આવો કોઇ શ્રેષ્ઠની મુલાકાત અને સર્વશ્રેષ્ઠ મેળવ્યાનો આંનદ થશે.
આ મુલાકાત અમારી શાળા માટે ખુબ ઉપયોગી થઇ રહી છે. અશોકભાઇ પંચાલ દ્વારા તેમની બેઠક વ્યવસ્થાનો અમલ કરાઇ રહ્યો છે. અમારા તમામ શિક્ષકો સાથે અમે આ બાબતે ચર્ચા કરી અને તેમનો ઉત્સાહ પણ વધ્યો છે.
બસ,
આભાર
#Rakesh_Nvndsar, #Gopal_Navdsar અને સમગ્ર નવા નદીસર ટીમનો કે આપે અમને સમય આપ્યો, અમારી સાથે વાત કરી. ચોક્કસ અમે પણ નવું કરવાના અને એક બીજી સારી શાળાનું નિર્માણ કરવાના પ્રયત્નો કરતા રહીશું.
મારી વિનંતી છે કે એક વાર સમય લઇને મુલાકાત કરો આ શાળાની આપના ઉત્સાહમાં ચોક્કસ વધારો થશે. મેં કહ્યું એના કરતાં એનેકગણું આપ લઇને આવશો. કારણ આ શાળા કામધેનું સમાન છે. માંગો એ મળશે અને એ પણ માંગો ત્યારે મળશે. તપોવન વિશે મેં ઘણો અભ્યાસ કર્યો છે. ઋષિઓના તપોવનની કલ્પના તો આજે શક્ય જ નથી એ મને પણ લાગે છે પણ આ શાળા તેનાથી બીજા નંબરે તો આવે જ આવે. મિત્રો જાતે મુલાકાત કરો. રાકેશભાઇની મંજૂરી વગર હું આ લખી રહ્યો છું તો એમની અને સમગ્ર ટીમની પણ માફી માંગું છું. સાથે તેમને પુછ્યા વગર તેમનો નંબર આપું છું. જઇ ન શકો તો ચોક્કસ વાત કરશો ઊર્જા ચોક્કસ મળશે. પણ એનો અર્થ એ નથી કે બધું એમાં જ મળી જશે. કહેવાય છે ને કે અનુભવેલું વધારે કામ આવે તો મારે તો કહેવું જ છે કે જાતે જ જશો. સમય મળશે નહિ સમય કાઢીને જશો જ જશો..
Rakesh Navdsar - 9974598817
Gopal Navdsar - 9979209505
આપના માર્ગદર્શક સૂચનો આપ અમને ચોક્કસ કોમેન્ટ અથવા અમારા સંપર્ક માધ્યમ દ્વારા આપશો.
#IsanpurPublicSchool
Mo - 7567853006
twitter - @AmcIps2
Email - vaishwika@gmail.com
Waah.. Superb.. It's really appreciate
ReplyDelete