છેલ્લા ૩૨૦ દિવસથી બાળકો શાળાથી દૂર છે. સરસ્વતીના મંદિરો સૂમસામ લાગે છે. સમગ્ર વિશ્વમાં શિક્ષક છે શાળા છે પણ વિદ્યાર્થી નથી. આવો કરૂણ સમય મે મારી આટલી જિંદગીમાં ક્યારેય જોયો નથી.
પણ કહેવાય છે ને કે જે થાય એ સારુ જ થાય છે કદાચ ઇશ્વરનો આમાં પણ સંકેત હશે. ગુમાને ચડેલા માનવ્યને પરત રસ્તે લાવવા માટે આ સમય આવ્યો હશે. આમ તો હવે કોરોનાની વાત કરવાનો પણ વિચાર નથી. સમય કંઇ નવું લઇ આવશે. આમ તો અમારી શાળા ઇસનપુર પબ્લિક સ્કૂલ આવા સમયે પણ બંધ રહી જ નથી. કારણ શાળામાં જે વાવ્યું છે તે સંભાળવાનો પ્રયત્ન પણ કરવો જ રહ્યો. અને અમે એ કર્યો છે. લોકડાઉનના સમયથી આજ સુધી કંઇક નવું કરવા મથતા રહ્યા છીએ. બાળકો આવે તો તેમને તેમની શાળા પહેલા કરતાં વધારે સારી લાગે તે માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. બાળક શાળાએ આવે અને એમ થાય તે વાહ હવે તો પહેલા કરતાં પણ વધારે મજા આવશે...!!!
આમ શાળામાં પરિવર્તન લાવવાના આશયથી મેં મિત્રો સાથે વિવિધ સારી શાળાઓની મુલાકાત કરી. તે શાળામાં થઇ રહેલા કાર્યો અમારી શાળામાં અમલમાં લાવવા પ્રયત્ન કરીશું. આ સમયે સારા મિત્રો મળ્યા. જેમને મદદ પણ કરી છે. આજે હું એવા જ એક કાર્યની વાત કરવા જઇ રહ્યો છું. હમણાં જ સુરેન્દ્વનગર જિલ્લાની સરોડી પ્રાથમિક શાળાની મુલાકાત વિશે ચર્ચા કરી હતી. તેમની સાથે એક વર્ષથી ચર્ચા ચાલતી હતી કે અમારે પણ શાળામાં જમીન નથી. કૂંડા લાવીએ છીએ તો તૂટી જાય છે. થાનગઢ તેમનો વિસ્તાર અને ત્યાંથી કૂંડા લાવવાની ચર્ચા મારી પ્રથમ મુલાકાતે જ કરી હતી. તેમને પણ મને વિશ્વાસ આપેલ કે ચોક્કસ મદદરૂપ થઇશ. અને તેમને અમને મદદ પણ કરી. એક દિવસ તેમના સાથે વાત થઇ અને આ જ મહિનામાં હું શાળાના ઉત્સાહી શિક્ષકો શ્રી ચંદુભાઇ પ્રજાપતિ અને વિક્રમસિંહ ઝાલા મારી દિકરી વૈશ્વિકા અને યુગ નીકળ્યા સુરેન્દ્રનગર. શાળામાં રજા હતી તો સૌ ત્યાં જવાનું નક્કિ કરી સવારે નીકળ્યા. કેતનભાઇ મારા મિત્ર અને તેથી વધારે એક સફળ સર્જક શિક્ષક છે. તેમને અમારા માટે જમવાની વ્યવસ્થા કરી હતી. જીવનમાં યાદ રહી જાય તેવું જમણ. રીંગણનો ઓળો કાચો અને પાકો, બાજરીના રોટલા, શાળામાં દ તૈયાર કરેલ સલાડ, છાશ, અડદિયા પાક, તરેલા અને શેકેલા મરચા વગેરે વગેરે....!!! ખુબ મજ્જા આવે તેવું જમણ. પેટ ધરાય પણ મન ખાલી જ રહે તેવો આતિથ્ય સત્કાર...!!!
હવે મુદ્દાની વાત પર પરત આવીએ. અમારે એક ફેક્ટરીમાં કૂંડા લેવા જવાનું હતું પણ નેટવર્કના અભાવે અમારા માટે તૈયાર કરેલ કૂંડા કોઇ અમદાવાદથી આવીને ભરી ગયા. કેતનભાઇના ચહેરા પર નિરાશા હતી. પણ અમે સૌ સ્વાર્થ વગરના કાર્ય માટે નીકળેલા તો ઇશ્વર પણ સાથે જ હોય ને....!!! અને અમને પણ ઇશ્વર સાથે હોય તેની અનુભૂતિ થઇ. બીજી કંપનીમાં ગયા અને ફરતા ફરતા અમને જોઇએ એવા કૂંડા ૧૫૦ જેટલા મળી ગયા. વિક્રમસિંહની ગાડી હતી જ તેમાં ભરી લાવવાના હતા. પણ મજૂર હતા નહિ અને અમે તો શિક્ષક...!!! મજૂરી પણ કરી લઇએ જ્યાં શાળાનો વિકાસ થવાનો હોય ત્યાં.
શિક્ષકો પોતાના વિભાગ સિવાયની અનેક કામગીરી કરે જ છે. કોરોનામાં સૌની નોંધ લેવાઇ. ડોક્ટર, આરોગ્ય સાથે જોડાયેલ કર્મચારી, પોલીસ વગેરે... જો કે આમાં અમારો ક્યાંય વિરોધ નથી. પણ આરોગ્ય સેવામાં શિક્ષકોએ જોડાઇને આ કપરા સમયમાં કાર્ય કર્યું છે. ઘર ઘર જઇ સર્વે કર્યો. રેશન કાર્ડ વગરના લોકોનો સર્વે કર્યો. રેશન કાર્ડ ધારકને સરકારી મદદ મળે તે માટે કાર્ય કર્યું. આરોગ્ય ભવન, હોસ્પિટલ વગેરે જગ્યાએ કાર્ય કર્યું. અનાજ વિતરણમાં હાજરી આપી. આ બધા સાથે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઇન ક્લાસ કર્યા એ પણ એવા બાળકો પાસે કે જેની પાસે ક્લાસમાં જોઇન થઇ શકે તેવા મોબાઇલ પણ નથી. મારે તો ૧ થી ૫ મા કુલ ૧૩૫૦ બાળકો પૈકી ૭૧૮ પાસે ટીવી પણ નથી.....!!! જવા દો એ અમારું કામ જ છે અને કરવું જ રહ્યું. ઉપરના કામ પણ અમારા માટે અમારી ફરજ જ છે કારણ રાષ્ટ્ર જ્યારે મુસીબતમાં હોય ત્યારે શિક્ષક હથિયાર પણ ઉપાડે તેનો ઇતિહાસ છે. અમને પણ સરકારે આ ઇતિહાસમાં સહભાગી બનાવ્યા એ પણ આનંદ જ છે.
મુદ્દાની વાત પર આવીએ તો અમે કંપનીમાં જઇ તમામ કૂંડા જાતે ભર્યા. એક એકમાં ૭ થી ૮ કિલો વજન હતો. આનંદ તો એ રહ્યો કે વૈશ્વિકા પણ મદદે આવી. ( આ એટલા માટે કે નાનું બાળક પણ સારા કામમાં સાથ આપે છે જ્યારે કેટલીક જગ્યાએ જેની જવાબદારી હોય તે પણ પલોઠી વાળીને બેસી રહે છે અને પાછા બીજાને બતાવીને કહે કે જુઓ આ કેટલું સરસ છે અમારે ત્યાં....!!! જો કે એવા નો સહયોગ ન મળે એનો કોઇ અસંતોષ નથી પણ બીજાને કહેતા ફરે કે શાળામાં આ બધુ કરાય ? મૂર્ખ છે...!!! ) જવા દો એ વાત. અમે લગભગ સાંજે ૬:૪૫ એ અમારી ગાડી ભરી. બરાબર થાક લાગ્યો હતો. હવે અને ડ્રાઇવરને મોકલી દીધા અને અમે પણ મારી ગાડીમાં નીકળી ગયા. બીજા દિવસે તે શાળામાં ઉતારી દીંધા.
શાળામાં કૂંડા આવી ગયા હતા અને શાળાના કામમાં સમય મળતો ન હતો. છતાં વિક્રમસિંહ સાથે માટી લાવવા માટે બિલ્ડરો પાસે ફર્યા. એક ભાઇ માની ગયા અને ૪ ટ્રેક્ટર માટી લઇ આવ્યા. હવે નક્કી હતું કે છોડ લાવી દઇએ એટલે શાંતિ. પણ બજેટ તો હોય નહિ. પણ મને નક્કી હતું કે શાળામાં પર્યાવરણની બદલવા માટે ફુલ છોડ અને ઔષિધી વનસ્પતિ લઇ આવવી. એ જ દિવસે છોડ જોવા ગયા. બે ત્રણ જગ્યા એ ફર્યા અને અંદાજે ૯૦૦૦ ₹ ની કિંમતની ૧૫૦ છોડ લઇ આવ્યા. શાળામાં ગોઠવીને કાલે વાવીશું એમ કરી નીકળ્યા.
સવારે કામ હતું પણ મજૂરી આપવી પરવડે તેમ ન હતું તો મે મારા તમામ શિક્ષકોને એક અપીલ કરી કે કાલે આપણે સૌ ભેગા થઇ વાવેતર કરી દઇએ. સવારે બધા આવી ગયા અને કામ શરૂ કર્યું.
ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ માથી
જ્યોતિબેન પંડ્યા, વર્ષાબેન પટેલ, પાર્વતીબેન પાંડવ, આશાબેન એ પટેલ, આશાબેન વી. પટેલ હંસાબેન વાઘેલા ઉર્મિલાબેન વાઘેલા કુસુમબેન વાઘેલા મિનાબેન પટેલ, રેખાબેન પટેલ, ની સાથે તમામ ભાઇઓ
ચંદુભાઇ પ્રજાપતિ, પ્રકાશભાઇ ભીમાણી, સમીર દેસાઇ, અશોક પંચાલ, વિક્રમસિંહ ઝાલા સૌ જોડાયા.
આ સાથે
ઇસનપુર પબ્લિક સ્કૂલ ૧ માથી
યોગેશભાઇ કાપડિયા, દિપ્તીબેન, નીલમબેન પંચાલ, રવિભદ્ર સનુરા, શોભનાબેન ગામેતી, વિજય વાલાણી તથા વિરાભાઇ પટેલિયા ( મુખ્ય શિક્ષક, ઇસનપુર પબ્લિક સ્કૂલ ૧ ) ની પણ મદદ મળી. આ સૌનો આભાર.
સમય ઘણો થઇ ગયો હતા છતાં ઇસનપુર પબ્લિક સ્કૂલ ૨ ના શિક્ષકોએ વધારે સમય આપીને કાર્ય પૂર્ણ કરવા પ્રયત્ન કર્યો. અંતે સૌને છૂટા કર્યા. અને વિક્રમસિંહ, મિનાબેન અમે વિરાભાઇ ની મદદથી ખાતર નાંખ્યું. સૌ માટે નાસ્તો મંગાવેલ તેનાથી જ કામ પૂર્ણ કર્યું. તમામ છોડને પાણી આપીને અમે સૌ છૂટા પડ્યા.
આનંદની વાત એ રહી કે તમામ છોડ એક જ દિવસમાં રોપાઇ ગયા. હવે તેની માવજત કરવી એ પણ એક પડકાર છે. પણ ચોક્કસ તેને પણ પાર કરીશું જો સૌનો સહયોગ રહેશે તો ચોક્કસ આગળ વધીશું.
આ કાર્ય એક દિવસનું તો હતું જ નહિ. એક વર્ષથી મારા મગજમાં પ્લાન હતો કે આવુ કરવું. અને કેતનભાઇનો ખુબ ખુબ આભાર કે તેમને અમારી ખુબ મદદ કરી. તેમના વગર આ શક્ય ન હતું. સાથે ઉપર જણાવેલ શિક્ષકોએ પણ પોતાનો કર્મયોગ શાળાને આપ્યો. જે નર્સરીમાંથી છોડ લઇ આવ્યા તેને પણ કિંમતમાં રાહત કરી આપી. બિલ્ડર દ્વારા માટી મળી. ખરેખર નિ:સ્વાર્થ કરેલ કાર્યમાં ઇશ્વર ચોક્કસ મદદરૂપ થાય છે તેનો અનુભવ થયો. ખલિલ જિબ્રાન કહેતા હતા કે કેટલાક લોકો બપોરના અજવાળામાં સુતા રહે છે તો કેટલાક રાતના અંધારામાં જાગે છે. અને મન હોય તો માળવે જવાય. આભાર અમારા શિક્ષકોનું કે જેમને લગભગ બે ટ્રેક્ટર માટી કૂંડામાં ભરી અને તમામ છોડનું વાવેતર થઇ ગયું. કામ પૂર્ણ થયા પછી તે જોવાનો પણ આનંદ રહે છે. જે મિત્રો મદદરૂપ થયા તેમાં કોઇનું નામ લખવાનું રહી ગયું હોય તો માફ કરશો. પણ આપ સૌની મદદ વગર આ કામ શક્ય ન હતું. આગળ પણ શાળાના વિકાસ માટે મદદરૂપ બનતા રહેશો તેનો વિશ્વાસ છે.
એક સામાન્ય વિચારથી શરૂ થયેલ આ સફળ ખુબ સુંદર વાતાવરણનું નિર્માણ કરવામાં સફળ રહેશે તેનો ચોક્કસ વિશ્વાસ છે. સૌનો આભાર...
આપના મૂલ્યવાન માર્ગદર્શક સૂચનો આપ કોમેન્ટમાં મોકલશો.
તેમ શક્ય ન હોય તો અમારા સંપર્ક સુત્રો પર સંપર્ક કરશો.
Hemant Panchal
Mo - 7567853006
Email - vaishwika@gmail.com
Facebook - #IsanpurPublicSchool
twitter - @AmcIps2































































ખુબ જ સરસ કાર્ય
ReplyDeleteતમને તેમજ તમારી ટીમને ખુબ ખુબ અભિનંદન સર..
Such a great initiative..... 👏👏👏👏👏
ReplyDeleteખૂબ સુંદર,અદ્ભુત પરિશ્રમ અને ભગીરથ કાર્ય.. વંદન સમગ્ર શાળા પરિવારને 🙏
ReplyDeleteSuperb..... Great job mitro
ReplyDeletePuri team ne abhinandan..
Amrish patel taraf thi khub khub abhinandan
ReplyDelete