અનુભવ કરીએ_જાતે શીખીએ_ત્રાજવા બનાવવા...

શિક્ષક સતત નવું આયોજન કરીને કાર્ય કરવાની ટેવ અમારા શિક્ષકોમાં હવે અંતરના ઊંડાણ માપી રહી હોય એમ અનુભવ થઇ રહ્યો છે. નિત નવી પ્રવૃત્તિઓ થકી જીવંત અનુભવો આપીને વર્ગમાં અને વર્ગની બહાર શિક્ષણકાર્ય કરાવવાનું આયોજન સતત થઇ રહ્યું છે. મિત્રો છેલ્લા ત્રણ દિવસ થી સ્કૂલ એક્રિડીયેશન અંતર્ગત શાળાનું મુલ્યાંકન થઇ રહ્યું હતું. સહજ અને સ્વાભાવિક છે કે SI શાળામાં હોય ત્યારે શિક્ષકો કંઇ વધારાનું કરવાનું ટાળે. ક્યારેક એવું જોવા મળે કે કોઇ અધિકારી શાળામાં આવે તો શિક્ષકોમાં ક્યાંક એવું હોય કે મારા વર્ગમાં ન આવે તો સારું. પણ અમારી શાળામાં આવેલ બન્ને મિત્રોએ ખરેખર ખુબ તટસ્થતાથી કાર્ય કર્યું. કયા વર્ગમાં જવું, કંઇ એકમ કસોટી જોવી, અન્ય કાર્યો જોવા. તમામ કાર્યમાં તેમને ૧૦૦% પોતાની ફરજ બજાવી છે. તેનો આનંદ છે. અમારી નોંધનીય વાતો અને સુધારાત્મક વાતો સમજાવી. જવા દો મારે એ વિશે વાત કરવી નથી. કારણ તેમનું કાર્ય એવું છે કે હું કંઇ કહું તો તેમના કાર્યમાં ક્યાંક સહજતા ઓછી થાય.
તો આપણે પરત આવીએ શાળાની વાત પર. અશોક પંચાલ સતત નવું કાર્ય વર્ગમાં કરાવે જ છે. ક્યારેક એ વિડીયો ડાઉનલોડ કરી આવે તો ક્યારેક તેવી પદ્ધતિ લઇ આવે અને બાળકો ઝડપથી શીખે તે માટે પ્રયત્ન કરે. વિવિધ આયોજન કરીને તે બાળકો સાથે નવીન પ્રવૃત્તિ કરાવે છે. બાળકો કંટાળે તો વાર્તા લઇ આવે. અને જ્યારે બાળકો ભણવાના મુડમાં ન હોય ત્યારે તો તે ગમે તે ભણાવે પણ વાતો જ કરે અથવા તેમનું ધ્યાન ભણવાના કાર્યમાં જરા પણ લાગે જ નહિ. તેવા સમયે અશોક પંચાલ બાળકોને ગમે તેવી અને મૂલ્ય લક્ષી વાર્તા લઇ આવે અને તમામ બાળકો શાંતિથી જુએ અને નવું શીખે.
તેનો વિષય ગણિત અને તેમાં પણ નવીનતા લાવવી સામાન્ય વાત નથી. કારણ ગણિત બાળકો માટે બોરીંગ વિષય રહે છે. નવીનતા વગર તેમાં કંટાળો આવે અને આવે જ. જેના કારણે બાળકો માટે ગણિત અપ્રિય વિષય બની રહે છે.
આવું થતું અટકાવવા માટે જ નવીનતા લાવવી પડે. આ સપ્તાહે ધોરણ ૪ માં એકમ ચાલે અને તેમાં આવે 
કેટલું ભારે કેટલું હલકું
આ એકમ અંતર્ગત બાળકો નવું શીખે તે માટે તેમને સમગ્ર સપ્તાહ દરમ્યાન સમજ આપવાનું આયોજન કર્યું છે. એકમમાં પ્રવેશ કરવાની પદ્ધતિ તેમને પુસ્તક પ્રમાણે કરાવી જ. વજન માપવાની પદ્ધતિ શીખવવાની સમજ આપવી અને તેને ભવિષ્ય માટે તૈયાર કરવાનું આયોજન કરવું. પ્રથમ સમજ આપી કે
આપણે બજારમાં વસ્તુ લેવા જઇએ તો તે કેવી રીતે દુકાન વાળા આપે છે.?
દૂધ શામાં મપાય ?
અનાજ શામા માપવામાં આવે છે?
દુકાનદાર વસ્તુઓ શાનાથી તોલે છે ?
એમ કરતાં કરતાં બાળકો જાતે સમજવા લાગ્યા કે ત્રાજવાથી ઘન પદાર્થોનું દળ માપી શકાય છે. પણ આ બાળકો તે શહેરમાં રહે તેમને અનુભવો આપવા શાકભાજી ખરીદીની કલ્પનામાં લઇ જવામાં આવ્યા. અને બાળકોને સમજ પડી તે ત્રાજવાની જરૂર વસ્તુનું દળ માપવા કરવામાં આવે છે. તેમને બાળકોને થોડા આઇડીયા આપેલ હતા તે પ્રમાણે બાળકો પાસે હતી તેવી વસ્તુ લઇ આવેલ. અને તેમને ત્રાજવા બનાવવાની પ્રવૃત્તિ કરાવી.આઇસક્રિમની ખાલી ડબ્બીનો ઉપયોગ કરીને બાળકોએ વિવિધ ત્રાજવાનું નિર્માણ કર્યું. અને વિવિધ વસ્તુઓ તેમાં માપવાનો પ્રયત્ન કર્યો. આવા પ્રયત્નોથી બાળકો જાતે સમજી શકે અને શીખી શકે. નવા અનુભવોથી તેમના જ્ઞાન અને વિચારોમાં નવીનતા આવશે. વર્ગના મોટા ભાગના બાળકોએ જોડી બનાવીને ત્રાજવા બનાવ્યા. અને નાના બાળકોએ ચર્ચા કરી કે ત્રાજવા ની મદદથી શું શું માપી શકાય અને ત્રાજવા ક્યાં ક્યાં જોવા મળે. વજનીયાનનુ મહત્વ સમજી શકશે.
આવા પ્રયત્ન બદલ અશોકભાઇનો આભાર
#IsanpurPublicSchool
Contact Us - 7567853006








Comments