સંતોષની અનુભૂતિ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા આજે શતાબ્દિ મહોત્સવની ઉજવણી ટાગોર હોલ, અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રી બિજલબેન પટેલ, IITE ના કુલપતિ શ્રી હર્ષદભાઇ પટેલ, ગુજરાત યુનિવર્સીટીના ઉપ કુલપતિ શ્રી જગદિશભાઇ ભાવસાર, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ધીરેન્દ્રસિંહ તોમર સર તથા શાસનાધિકારી શ્રી એલ.ડી.દેસાઇ સરની સાથે રાજ્યની શિક્ષણ સમિતિઓના ચેરમેન તથા શિક્ષણાધિકારી સાહેબશ્રીઓની પ્રેરક હાજરી રહી.

કાર્યક્રમમાં અમારી શાળા
ઇસનપુર પબ્લિક સ્કૂલને
શ્રેષ્ઠ સ્વચ્છ શાળાનું પ્રામાણપત્ર 
માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યું.

અમારા માટે આ સન્માન નવી જવાબદારી લઇને આવેલ છે.
શરૂઆત કરેલી થોડા સમય પહેલા,
નિશ્ચિત વિચારો સાથે આગળ વધવા પ્રયત્નો કરેલા,
દરેક ડગલામાં સ્થિરતા હતી ને આગળ વધાવાનો ઉત્સાહ,
સમગ્ર ટીમનો પરિશ્રમ હતો ને પ્રત્યેક મનમાં મક્કમતા હતી,
સતત ઘણા સમયથી અમે મથતા હતા, દિશા નક્કિ હતી અને શાળાને ભૌતિક તથા શૈક્ષણિક રીતે સજ્જ બનાવવી. વિસ્તારમાંથી બાળકોને શાળાએ લઇ આવવા. તેમને ગમે તેવી શાળાનું નિર્માણ કરવું.
અમે ચોક્કસ આયોજન કરીને આગળ વધ્યા અને પરિણામ હવે આવવા લાગ્યા છે.
આજે આનંદ છે. મિત્રો હું સતત કહેતો આવ્યો છું કે ઘણું કાર્ય કર્યું પણ સંતોષ નથી. પણ આજે સંતોષની અનુભૂતિ થઇ રહી છે. આ સફર ખરેખર સામાન્ય નથી. શાળાનું ભૌતિક વાતાવરણ સુંદર કરવા માટે શિક્ષકોએ સતત સહયોગ આપ્યો છે. નાણાંકીય મદદ કરવાની સાથે સમય પણ આપ્યો છે. તમામ શિક્ષકોએ એક સાથે પોતાના વર્ગોમાં અનેક પ્રવૃત્તિઓ કરાવી છે.  તેમની મહેનતનું પરીણામ આજે મળ્યું છે. ચોતરફ જ્યારે સરકારી શાળામાં બાળકોની સંખ્યા ઘટતી જાય છે ત્યારે અમારી શાળામાં ઉત્તરોત્તર બાળકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ અચાનક થયું નથી, એક બે વ્યક્તિની મહેનત નથી આ અમારી પુરી ટીમનું કાર્ય છે. અમે વિસ્તારમાં ગયા, વાલી સાથે સંવાદ કર્યો અને ઘર ઘર જઇને બાળકોને શાળાએ મોકલવા માટે સમજાવ્યા છે. સરકારી શાળાના લાભ, શિક્ષણ કાર્ય, પ્રવૃત્તિઓની સમજ આપી અને આજે એ પરીણામ મળેલ છે. આજે સારું પરીણામ મળ્યું છે શાળામાં 2300 બાળકો અભ્યાસ કરે છે.
શાળાને સ્વચ્છ રાખવા માટે શિક્ષકો દ્વારા સરકારની સહાય ઉપરાંત વધારે માનદવેતન આપીને સફાઇ કર્મીની નિયુક્તિ કરવામાં આવેલ છે પરીણામે સ્વચ્છતા સતત સારી રહે છે.
શાળાના શિક્ષકો માટે આજે સંતોષની અનુભૂતિ છે.
અમારી આ સફરમાં અમારા તમામ અધિકારીશ્રીની મદદ અમને સતત મળી છે. જ્યારથી શરૂઆત કરી ત્યારથી અમારા શાસનાધિકારી શ્રી એલ.ડી.દેસાઇ સર, મદદનીશ શાસનાધિકારી શ્રી ચંદ્રકાંતભાઇ ગામેતી સર તથા શ્રી પ્રજ્ઞાબેન પંડ્યા સર, સુપરવાઇઝર શ્રી જયદેશ દૂબે સર, શ્રી નવનીતભાઇ અસારી સર, શ્રી રાજેશભાઇ આંબલિયાર સર દ્વારા સતત માર્ગદર્શન અને પ્રેરણા મળે છે. સીઆરસી કો-ઓર્ડિનેટર અલ્પેશભાઇ ઉપાધ્યાય પણ સતત શાળાને માર્ગદર્શન આપે છે.
શાળા એ આ વર્ષમાં અનેક સફળતા મેળવી છે.
સફળતાપૂર્વક શહેર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનના યજમાન રહ્યા.
નવોદય પરિવાર દ્વારા સ્માર્ટ સ્કૂલ એવોર્ડ પ્રાપ્ત કર્યો.
સુભાષી ફાઉન્ડેશન તરફથી સ્વચ્છ ભાષા પ્રમાણપત્ર મળ્યું.
સારો બાગીચો બનાવવામાં સફળ રહ્યા.
ઇકો ફ્રેન્ડલી વાંસની વોલ બનાવી તેને શૈક્ષણિક બનાવવા પ્રયત્નો કરી રહ્યા છીએ.
શાળાનું માસિક મુખપત્ર સાફલ્ય...એક સાકારિત સ્વપ્ન સફળતા પૂર્વ વાચકોમાં પોતાની જગ્યા બનાવી રહ્યું છે.
કલા મહોત્સવ તથા ગરબા સ્પર્ધાના યજમાન રહ્યા.
પ્રજ્ઞા વર્ગને બાળકમય બનાવવા માટે આયોજપૂર્વક વર્ગોનું નિર્માણ કરી શક્યા.
તમામ વર્ગોમાં સ્પીકર લગાવી દીધા.
શાળાનો તમામ વહિવટ ડિઝીટલ કરવામાં 100% સફળ રહ્યા આજે શિક્ષકો પાસે વર્ગ સિવાય વધારાના કાર્યો ઓછા થયા અને તે બાળકોને વધારે સમય આપી શકે છે જેનાથી શૈક્ષણિક કાર્ય સારી દિશામાં આગળ વધી રહ્યું છે.
NMMS માં સૌથી વધુ બાળકોએ પરીક્ષા આપી અને 14 બાળકો આજે શિષ્યવૃત્તિ મેળવી રહ્યા છે.

આમ અમે અનેક અમારા ડગલા અમારા નિશ્ચિત ધ્યેય તરફ આગળ લઇ જઇ રહ્યા છીએ. કચાશ હશે, ઉણપ હશે પંરતું અમારી ટીમના ઇરાદાઓમાં ક્યાંય અપ્રમાણિકતા નથી. પ્રામાણિક પ્રયત્નો ચોક્કસ સફળ થશે જ તેનો વિશ્વાસ છે.
આજે મળેલ પ્રમાણપત્ર એ અમારી જવાબદારી છે પરંતું તેનાથી અમને નવો ઉત્સાહ મળ્યો છે જે નવી દિશામાં આગળ વધવા માટે પ્રેરણા બનશે.
અમારી શાળાને શ્રેષ્ઠ સ્વચ્છ શાળા એવોર્ડ આપવા બદલ અમે સૌ ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આભારી છીએ. ચોક્કસ અમે સાર્થક પ્રયત્નો કરીશું તેવા વિશ્વાસ સાથે....






















Comments

Post a Comment

Thanks A lots...