શરૂઆત તો કરીએ.... માર્ગ હજારો મળશે...

ઇસનપુર પબ્લિક સ્કૂલ સતત નવીન વિચારો સાથે આગળ વધે છે. પડકારો અનેક આવે છે સૌને ખબર છે સરકારી શાળામાં. તમામ પડકારોથી આગળ વધીને વિચાર કરી શકે એવી અમારી ટીમ છે. 53 શિક્ષકો નો અર્થથ એ છે કે 53 અલગ વિચાર, તેટલા જ સંકલ્પો, એટલી જ શક્તિ. આમ તો અખતરા કરવાની અમને ટેવ છે. કોઇ પણ કાર્ય કરતા પહેલા અમે સાથે બેસી વિચાર કરીએ અને એક અવાજે નિર્ણય થાય કે હા... ચાલું કરો થઇ જશે.
મિત્રો આજે હું આપ સાથે આજે નવી વાત કરવા જઇ રહ્યો છું. શાળામાં આવ્યા બાદ અમે પહેલું કાર્ય કર્યું શાળાનો સમય વધારવાનું... કોઇ ખોટું ન વિચારશો, સમય વધારવો મતલબ જે સમય બીજા કાર્યોમાં જતો સમય બચાવવો. અમે તમામ વહીવટી કાર્ય કમ્પ્યુટરાઇઝ કર્યું. શિક્ષકોને તમામ પત્રકો તૈયાર મળે, તેઓ સાથે બેસે, વિચાર કરે અને આયોજન કરી આગળ વધે. મિત્રો આખર તારીખ એટલે આમ તો અડધો દિવસ શૈક્ષણિક અનધ્યાય. પરંતું હાજરીપત્રક બનાવવુ, સરસરી સંખ્યા શોધવી વગેરે કાર્યોમાં એ સમય ઓછો પડે જ્યારે એક પત્રકમાં 55 થી 65 બાળકોના નામ લખવાના હોય.
30/09/2019 આખર તારીખનો દિવસ. અમારા શિક્ષકો માટે અમે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
મિત્રો નાસ્તા વગરની,
કન્વેયન્સ વગરની,
પરિપત્ર વગરની આ તાલીમ. 
તાલીમનો આશય 
આપણે આપણા બાળકોને ઓળખીએ, સમજીએ,
તેમનામા રહેલી ભવિષ્યની સંભાવનાઓ ચકાસીએ, શોધીએ, તેને સજાવીએ.
બાળક શું કરવા મથે છે, કેમ ભણતો નથી, કેમ મસ્તી કરે છે, લખતો કેમ નથી, અનિયમિત કેમ આવે છે... જેવા અનેક સવાલોના જવાબો શોધવાનું આયોજન કરવામાં આવ્યું. વર્ગમાં શિક્ષકે બાળકોને પોતના કરવા શું કરવું. તેવા અનેક વિચારો તાલીમમાં કરવામાં આવ્યા.
મિત્રો ખાસ આનંદ એ હતો કે અમારી શાળાના શિક્ષક શ્રી અશોકભાઇ પંચાલ NLP અંતર્ગત કાર્ય કરે છે. તે તેમનો વિષય છે. રાતે ખાલી વાત કરી કે ભાઇ કાલે તમે આપણા શિક્ષકોને થોડી તાલીમ આપો. તરત તૈયાર. ભાઇ અશોકે રાતે જાગીને એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. 
શિક્ષકો સાથે વાત કરવાની હતી. તેમની પાસે અનેક પ્રશ્નો છે, બાળકો માટે વિચારો છે તેમને સમજાવવા કે આપણે આપણી શાળાને નવા રસ્તે આગળ લઇ જવા આવા નવા પ્રયત્નો કરવા છે. કમાલ તો એ છે કે દરેક શિક્ષકે રસ લીધો કારણ સૌની શાળા છે સૌ અથાક પ્રયત્નો કરે છે. નવરાત્રિ એટલે કે શક્તિ પૂજનના આ દિવસો છે. અમારા શિક્ષકોએ પોતાની શક્તિ વધારવા પ્રયત્ન કર્યો. NLP  ની સાથે Classroom Goal વિશે ચર્ચા કરવામાં આવી. નાના નાના લક્ષ લઇને ચાલવાનો વિતાર કરાયો. શિક્ષકો ચર્ચામાં જોડાયા. અશોકભાઇએ નવીન અનુભવો પુરા પાડ્યા છે. બાળકો સાથે કામ કરવાની કેટલીક સરળ રિતોની સમજ આપી. બાળકોને આનંદ આવે મજા આવે તેવા અનુભવો આપવાનું કાર્ય કર્યું.
મિત્રો આ શરૂઆત છે. અમે હવે દર મહિને આવા નવીન વિષયો પર સમયનો ઉપયોગ કરવાનો નિર્ધાર કર્યો છે. અમારી પાસે મજબુત ટીમ છે. ખરેખર સમય ઓછો પડ્યો ક્યાં ઘરે જવાનો સમય થયો તેની સમજ પણ ન પડી. સૌ વિચારો લઇને ઘરે ગયા. બીજા દિવસે તેના કેટલાક સારા રિવ્યુ પણ મળ્યા. હવે અમે સ્વતાલીમ કરીશું. પોતાની નબળાઇ વિશે વિચારીશું અને તેને તાકાત બનાવવા પ્રયત્નો કરીશું.
શાળા પરિવારના સભ્ય અશોક પંચાલનો શાળા પરિવાર આભાર માને છે. આવા નવા આયોજનથી અમે શાળાના માનસિક બળને વધારવાનો પ્રયત્ન કર્યો છે. અમારી પાસે શાળાનું વાતાવરણ તો ખુબ સુંદર છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ ભરપૂર થઇ રહી છે. હું નિયમિત સમય આપું તો પણ પુરુ થઇ શકતું નથી. તેના સાચા હકદાર અમારા શિક્ષકો છે. હવે અમે અમને જાતે તાલીમબદ્ધ કરવાનો નવો વિચાર કર્યો છે. વિશ્વાસ સાથે ચોક્કસ આપણા દિવસો આવશે જ.... 




















Comments