વાલી સાથે સંવાદ

ઘણા સમયથી શાળા સતત નવીન ઉંચાઇ પર સ્થાન મેળવવા માટે પ્રયત્નો કરે છે. અમારા પ્રયત્નોમાં વિસ્તારના વાલી સમાજ દ્વારા સતત મદદ મળે જ છે. અમારામાં વિશ્વાસ મુકીને પોતાના બાળકોના ભવિષ્યની ઇમારતનો પાયો ઘડવાનું કાર્ય અમને સહજ આપ્યુ છે.  શાળા દ્વારા તે વિશ્વાસને સાર્થક કરવાના પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવે છે તેવો વિશ્વાસ તેમને છે.
આજે અમે શાળાના વાલી સાથે સંવાદ કર્યો.
વાલીને આમંત્રણ આપી શાળાએ સંવાદ માટે બોલાવ્યા.
તેમના પ્રશ્નો સાંભળવાની મારી ઇચ્છા હતી તો તે માટે આયોજન કર્યું.
અમારા શિક્ષક શ્રી હરેશભાઇ મોદી સર દ્વારા તેમને જરૂરી સમજ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેમને શાળાના કાર્યો, વિદ્યાર્થી પક્ષે અને વાલી પક્ષે કરવામાં આવનાર કાર્યોની સરસ સમજ આપવામાં આવી.
શાળામાં ચાલતા પરિવહન સુવિધા, એકમ કસોટી, ઓનલાઇન હાજરી, શિષ્યવૃત્તિ, મધ્યાહ્ન ભોજન, નિયમિતતા, શાળા વિકાસ, શિક્ષકો દ્વારા કરવામાં આવતા કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બાળકોની સલામતી તથા અભ્યાસ સંદર્ભે, વહેલા બાળકોને ઘરે ન લઇ જવા બાબત, ગેરહાજર ન રહેવા બાબત ચર્ચા કરવામાં આવી.
સહયોગ સંસ્થા તરફથી શૈલેષભાઇ અને તેમની ટીમ હાજર રહી. તેઓ પણ સતત બાળકોના શિક્ષણ માટે કાર્યો કરે છે. તેમની મદદ રહે છે. વાલી સાથે સંવાદ કરવામાં તેઓ મદદરૂપ થાય છે. શૈલેષભાઇ દ્વારા શિક્ષણનો અધિકાર વિશે ચર્ચા કરવામાં આવી. વાલીના પ્રશ્નો લેવામાં આવ્યા. તેમને શાળાના કાર્યથી સંતોષ થાય તેવા જવાબ જવાબદારી સાથે આપવામાં આવ્યા.
ઉચ્ચ પ્રાથમિક મુખ્ય શિક્ષક શ્રી વિરાભાઇ પટેલીયા દ્વારા વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ. વાલી સમાજ સાથે તેમનો અનુભવી સંવાદ રહ્યો. ચોક્કસ મજા આવી. તેમને શાળાના કાર્યોની સમજ આપી. 
મને એમ હતું કે અનેક ફરિયાદો હશે. પરંતુ મળ્યા બાદ સમજ પડી કે તેઓ ખુશ છે, આનંદિત છે. શાળાના દરેક શિક્ષક માટે તેમના કાર્ય માટે અભ્યાસ માટે માન અને સન્માન છે. આદર સાથે તેઓ અમારી સાથે બેઠા. વાત કરી. સહકારની ખાતરી આપી. ખાસ નોંધવા જેવી વાત એ રહી કે એક સુરથી સૌએ કહ્યું કે શાળા વિકાસ માટે અમે આર્થિક મદદ માટે પણ તૈયાર છીએ. મન આનંદથી ભરાઇ ગયું. એક વોટ્સઅપ ગૃપ બનાવવાનો મારો વિચાર તેમને વધાવ્યો એટલું જ નહિ તે માટે કાર્ય કરવા ખાતરી આપી.
મિત્રો ૩૫૦ થી વધારે વાલી આજે હાજર રહ્યા. સૌનો આભાર.
સહયોગ સંસ્થાની શૈલેષભાઇ સાથેની પુરી ટીમનો આભાર.
હરેશભાઇ મોદી તથા વિરાભાઇ પટેલિયાનો આભાર...
સૌ વાલી સતત આવો સહકાર આપશે જ એવો વિશ્વાસ થયો અને શાળા મા હાલ કરવામાં આવી રહેલા કાર્યોની સમજ આપી. સૌ ખુશીના ભાવ સાથે છૂટા પંડયા.
વાલીઓ દ્વારા મળેલ કેટલાક ફોટો આપ સમક્ષ મુકતા આનંદ થાય છે.

























Comments