અનુભવ કરીએ... શીખીએ

વિચારને આચારણ મળે
આચરણને કાર્યશીલતા મળે
કાર્યશીલતાને સમર્થન મળે
સમર્થનને સફળતા મળે તો એ આનંદ વ્યક્તિગત હોતો નથી. આવા કાર્યો કરવાનું માધ્યમ ઇસનપુર પબ્લિક સ્કૂલ ચોક્કસ બને જ છે. અભ્યાસ એ જીવન માટે છે. અનુભવ દ્વારા શિક્ષણ આપવામાં આવે તો ચોક્કસ તે ઝડપથી બાળકો શીખી શકે અને લાંબો સમય યાદ રાખી શકે.
કોઇપણ અનુભોવો જીવવને નવી દિશામાં આગળ લઇ જવા માટે જ્ઞાન આપવાનું કાર્ય કરી શકે છે.
અનુભવનું શિક્ષણ આપવાનું કાર્ય કરવું સાવ સામાન્ય નથી.
બાળકોને નાના નાના પ્રત્યક્ષ અનુભવ નવા જ્ઞાનના દ્વાર ખોલી શકે છે.
અમારા વિજ્ઞાન શિક્ષક દ્વારા પ્રત્યેક બાળકને સીધો અનુભવ આપીને બાળકોને સાચી માહિતી આપી સાથે તેમને યાદ રહે તેવું, સમજમાં આવે તેવું કાર્ય કરાવવામાં આવ્યું.
કોઇપણ કાર્યને સરળ બનાવવાનું કામ શિક્ષકો અવિરત કરી રહ્યા છે. પણ નોંધવા જેવી વાત એ છે કે શિક્ષકો પોતાને સરળ પડે એમ ન કરતાં 
વિદ્યાર્થીઓને સરળ કેમ બને ?
વિદ્યાર્થીઓને ઝડપથી કંઇ રીતે આવડે ?
વિદ્યાર્થી સવાલ કરતા થાય, તેના જવાબો જાતે શોધતા થાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
અમારા શિક્ષક શ્રી રોશનકુમાર વિજ્ઞાન ટેક્નોલોજી વિષયનું જ્ઞાન બાળકોને આપી રહ્યા છે.
હવે વાત આવે છે મુદ્દાની મિત્રો... 
શાળાએ છેલ્લા બે ત્રણ વર્ષમાં શાળાનું વાતાવરણ શૈક્ષણિક બનાવવા માટે જે તૈયારીઓ કરી છે તે આજે શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી થવા લાગ્યું છે. શાળામાં અનેક છોડ, વક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. પરંતું એ તમામ છોડ લગાવવા પાછળ ચોક્કસ આયોજન હતું. અમારી શાળામાં ઔષધિય વનસ્પતિની સાથે અજમો અને લજામણી પણ જોવા મળશે.
આ તમામનો લાભ આજે ધોરણ 6 ના બાળકોને આપવાનું કાર્ય રોશનકુમાર દ્વારા કરવામાં આવ્યું. વિજ્ઞાનનો સાતમો પાઠ - વનસ્પતિની માહિતી મેળવીએ.... અંતર્ગત છોડ, ક્ષુપ, વેલા અને વૃક્ષની માહિતી આપવામાં આવી. હવે આ તમામ પ્રકાર શાળામાં જ મળે તો તમામ બાળકો શિક્ષક સાથે નીકળ્યા ખુલ્લા ગગન નીચે વિહાર કરવા... જોઇને તો એમ લાગે કે શિક્ષક અને બાળકો સાથેનો આ શૈક્ષણિક સંવાદ જ્ઞાનના નવા દ્વાર ખોલી રહ્યું છે.
તમામ પ્રકારના વૃક્ષોની સમજ આપવાની સાથે પાઠમાં આવતા અગત્યના શૈક્ષણિક મુદ્દાની સમજ સરળતાથી આપી શકાઇ. વિજ્ઞાન વિશે હમણાં જ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સર એ કહેલુંને કે વિજ્ઞાનમાં પ્રયોગ હોય સફળતા નિષ્ફળતા ન હોય... આ જ વિધાનને આજે સાર્થક કરી રહ્યા હોય એમ લાગ્યું. શાળામાં જ આવેલ તમામ વનસ્પતિ દર્શન અને પરીચય કરાવવાની સાથે બાળકોને શિરાવિન્યાસની સરળ સમજ મળી, સ્ત્રીકેસર-પુકેસરની સમજ મળે એ પણ સરળતાથી. પર્ણોના પ્રકારની સમજ આપી શકાઇ... 
મિત્રો શાળા જ જો શિક્ષણના નવા માધ્યમ આપવામાં સફળ રહે અથવા પ્રયત્નો કરી શકે તો ચોક્કસ બાળકો નવું શિક્ષણ સતત મેળવી શકે. આ જ બાળકો રિસેસના સમયમાં બીજા બાળકોને સમજાવતા જોવા મળ્યા કે જુઓ આ છોડ છે અને આ ક્ષુપ... મિત્રો આદાન પ્રદાન શિક્ષણનું સાચુ સ્વરૂપ છે. કારણ કે બાળક તો શીખવા જ આવે છે અને શીખતા શીખતા તે નવીન અનુભવો મેળવે છે અને અનુભવો મેળવતા મેળવતા શીખે છે. આ બાબતનો સાચો અનુભવ આજે તમામ બાળકોને કરાવવામાં આવ્યો. અનુભવના આધારે મળેલ આ જ્ઞાન ચોક્કસ નવી દિશામાં બાળકોને લઇ જશે. 
રોશન સરના આભાર સાથે...









Comments

Post a Comment

Thanks A lots...