મને આવડશે જ... 2

ઇસનપુર પબ્લિક સ્કૂલ ના આ બાળકો સાથે અવિરત કરવામાં આવતી પ્રવૃત્તિઓ હવે નવી રાહ બની રહી છે. આજે બાળકોને ગણિત વિષયમાં રસપ્રદ શિક્ષણ આપવાનો સફળ પ્રયત્ન કરી રહ્યા છે. આજે પેટર્ન બનાવવા શીખવવા માટે શરૂઆતનો પ્રયત્ન કરવામાં આવ્યો. વિવિધ વનસ્પતિના પર્ણ લાવીને તેની પેટર્ન બનાવતા શીખવવાની શરૂઆત કરવામાં આવી. આ સાથે પર્યાવરણ અને ભાષાનું શિક્ષણ પણ થઇ રહ્યું છે. ચોક્કસ આપને જોઇ આનંદ થશે અમારા શિક્ષકોનું કાર્ય જે કરાવવા માટે અમારા શિક્ષકો અવિરત નવીન પ્રવૃત્તિ કરાવી રહ્યા છે.
જીવન તો હવે એક સ્પર્ધા બની રહ્યું હોય એમ લાગે છે. સૌ પોતાની દોડ લગાવી રહ્યા છે. પહેલા નંબરે આવવાની...!!! ક્યારેક મને એમ લાગે છે કે સ્પર્ધા જીવન વિકાસ માટે હોવી જોઇએ નહિ કે સૌથી પહેલા આવવાની. પ્રત્યેક બાળક સારો નાગરિક બને, જીવનમાં સંસ્કારનું સિંચન થાય, રાષ્ટ્ર વિકાસ માટે ચિંતિત રહે એ ખરા અર્થમાં શિક્ષણનું કાર્ય છે.
આજનો યુગ સ્પર્ધાનો તો છે જ. તેમાં વિચારને મહત્વ છે, ટેલેન્ટ તક છે, પોતાનું આગવું વિશ્વ સર્જન કરી શકે તેનું મહત્વ છે.
શિક્ષણ ક્ષેત્રે શરૂઆતથી જ આ માટે બાળકને તૈયાર કરી શકાય તેવો અભ્યાસક્રમ નિર્માણ કરવામાં આવેલ છે. બાળકો બાળપણથી પોતાના વિચાર નક્કિ કરે અને આગળ વધી શકે તેનું આયોજન કરેલ છે પરંતુ તેને યોગ્ય રીતે તેનું વર્ગમાં શિક્ષણ કાર્ય કરવામાં આવે તો ચોક્કસ આવનાર ભવિષ્યમાં કોઇપણ સ્પર્ધા માટે તૈયાર રહે. પોતાને તેની સાથે જોડી શકે.
ઇસનપુર પબ્લિક સ્કૂલના શિક્ષકો અવિરત નવીન પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ બનાવીને બાળકો સાથે કાર્ય કરે છે. નાના નાના આ બાળકોને તો સમજ પણ નથી કે આ પાંદડા ગોઠવવા એ કોઇ આનંદ કે મજા કરવાની પ્રવૃત્તિ નથી. આગળ તેના ભવિષ્યમાં આવનાર ગણિતની અનેક પેટર્ન માટે તૈયાર થવાનું આ પગલું છે.
મિત્રો મુદ્દાની વાત એ છે કે ધોરણ ૨ અંતર્ગત ગણિતમાં આવનાર પેટર્ન શીખવવા માટે શિક્ષકો દ્વારા અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે અને તેના દ્રારા બાળકો નવું શીખી રહ્યા છે. નવી રાહમાં આગળ વધી રહ્યા છે.  આ પાંદડાથી પૂર્ણતાને પામવાની વાત અટકતી નથી. તે કાર્ય બાદ શું કરવાનું છે તેનું આયોજન પણ કરવામાં આવે છે. ધોરણ ૨ ના ગણિત વિષયના શિક્ષકો દ્વારા વર્ગમાં બાળકોને ગણિત વિષયની ક્રમિકતા શીખવવાનું કાર્ય કરાવવું સાવ સરળ નથી. અનેક સરકારી શાળામાં શિક્ષકો સતત નવીન પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. મારો કોઇ સાથે વિરોધ નથી પરંતુ ખુબ વધારે ફી લઇને શિક્ષણ આપતી શાળાઓ એસાઇમેન્ટ તૈયાર કરાવી શકે, ગોખાવી શકે અને માર્કસ આપી શકે પરંતુ કોઇ અપેક્ષા વગર બાળકને જાતે શીખતું કરવાનું કાર્ય કરનાર શિક્ષકો તો સરકારી શાળામાં જ મળે. 
કયો એકમ શીખવવા માટે શું કરવું જોઇએ ?
કંઇ પ્રવૃત્તિ કરાવવાથી એકમને સરળ બનાવી શકાય ?
બાળકને ખબર ન પડતા તેને વિષય શિક્ષણ કેમ કરી આપી શકાય ?
ગોખણપટ્ટીથી દૂર રાખી જાતે વિચારતો કેમ કરી શકાય ?
તેના વિચારો કરીને એક સાથે અનેક વિષયો શીખવવાનું કાર્ય સરકારી શાળાના શિક્ષકો સરળતાથી વિષમ પરિસ્થિતિમાં પણ કરી રહ્યા છે. દરેક બાળકને પોતાની રીતે આગળ વધાવા દેવો, તે કયા છે તેનું જ્ઞાન હોય અને સાથે તે માટે ચિંતિત હોય આવુ કાર્ય કરવું સામાન્ય નથી.
શિક્ષકોના આભાર સાથે આ પ્રવૃત્તિ આપ સમક્ષ મુકી રહ્યો છું.


















Comments