વિશ્વકર્મા ભગવાન



વિશ્વકર્મા ભગવાન
આજે મહા મહિનાની તેરસ છે અને દરેક સમાજ પાસે પોતાના ઇષ્ટદેવ હોય છે કુળદેવી હોય છે તેમ આજે અમારા સમાજના કુળદેવતા ભગવાન વિશ્વકર્માની જયંતિનો ઉત્સવ છે. પરંતું આજે તેમની કોઇ કળા મારી પાસે નથી કે હું કોઇ ભૌતિક સર્જન કરી શકું. અને આજે તો તમામ સમાજના લોકો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર તમામ પોતે નિર્માણ કરવા, સર્જન કરવા લાગ્યા છે અને તેથી જ્ઞાનનો ઉપયોગ ચોક્કસ વધવાની સાથે સમાજને નવી દિશામાં લઇ જઇ રહ્યો છે. હું તો એક શિક્ષક છું તેથી મારી પાસે ભૌતિક રચના કરતા પણ વિશેષ સર્જન આવે છે જીવંત સર્જન કરવાનું આજે વિશ્વકર્મા જયંતિએ હું સંપૂર્ણ શ્રદ્ધાપૂર્વક નમન સાથે ભગવાન પાસે મને મારા કાર્યમાં શ્રેષ્ઠ સર્જન કરી શકું એવી શક્તિની પ્રાર્થના સાથે ભગવાન વિશ્વકર્માના જીવનની થોડીક વાત આપ સમક્ષ મૂકવા પ્રયત્ન કરી રહ્યો છું.
ભારતીય સંસ્કૃતિની વિશેષતા અને સમાવેશતાને સમજવા માટે અપાર અભ્યાસ કરવાની આવશ્યકતા રહે છે. તેના વિશે કંઇપણ લખતા ચોક્કસ વિચાર કરવો પડે, અભ્યાસ કરવો પડે. આજે આપ સૌ સમક્ષ હું ભારતીય સંસ્કૃતિના એક એવા પાત્ર વિશે વાત કરવા જઇ રહ્યો છું તેના વિશે હું પણ અજાણ છું. કહેવાનો અર્થ એ કે આ પાત્રને ન્યાય આપવાની શક્તિ મારી પાસે નથી. તો ક્ષતિ રહેવા તથા પાત્રને અન્યાય થવા સંભવ છે. પરંતું જાણકારી ખાતર આ વાત રજુ કરવાની આજે ઇચ્છા છે.
મહા સુદ તેરસ વિશ્વકર્મા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
વિશ્વ જ નહિ પરંતું સમગ્ર બ્રહ્માંડના સર્વશ્રેષ્ઠ આર્કીટેક એટલે ભગવાન વિશ્વકર્મા.
વિવિધ ઓજારોનુ સર્જન કરનાર એટલે ભાગવાન વિશ્વકર્મા.
શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવ એટલે ભગવાન વિશ્વકર્મા.
કહેવાય છે કે બ્રહ્માના સાતમા પુત્ર એટલે વાસ્તુદેવ. અને વાસ્તુદેવ તથા આંગિરસી કન્યાથી વિશ્વકર્માનો જન્મ થયો. પિતા વાસ્તુશાસ્ત્રી એટલે પુત્રને મળે એમ તે સમયમાં નહોતું. દરેકે પોતાનુ કર્મ કમાવવું પડતું. આમ વિશ્વકર્માએ પણ પોતાની શક્તિનો વિકાસ કરીને પોતે વિશ્વના આર્કીટેક બન્યા છે. અને આજે આપણે સમાન્ય લાગતા કાર્ય કરવામાં પણ કપડા ન બગડે એનું ધ્યાન રાખવાનો વિચાર પહેલા કરીએ છીએ.
આપણા શાસ્ત્રો અને તમામ ઇશ્વરને એક કરતાં વધારે હાથ દર્શવવામાં આવ્યા હોય એવા જ આપણે તેમના ફોટો જોઇએ છીએ અને તેની જ પૂજા કરીએ છીએ. પરંતુ મિત્રો હાથ તો બધાને સમાન જ હોય. પણ તેમના બે હાથની શક્તિ એટલી હોય કે આપણને બે હાથે આટલું કાર્ય કરી શકાય તેમ માની શકાય નહિ. આમ વિશ્વકર્માનું વાહન એટલે હંસ. તેમના એક હાથમાં કમંડલ, બીજામાં કંદર્પસુત્ર, ત્રીજામાં જ્ઞાનસુત્ર અને એક હાથે આપણને આશીર્વાદ આપે. તેમનામાં એટલી શક્તિ હતી કે તેઓ આટલા કાર્ય સરળતાથી કરી શકતા. કોઇની ધાર્મિક લાગણી દૂભાવવાનો મારો કોઇ ઇરાદો નથી. પરંતુ પ્રયત્નમાં રહેલી શક્તિ દર્શાવવાનો વિચાર ચોક્કસ છે.
ધર્મ એક એવો વિષય છે કે તેમાં વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી પડે. કેટલાક ચમત્કાર લાગે પરંતું તેનાથી આપણી ભક્તિમાં વધારો થતો હોય, મનુષ્ય ઇશ્વરની નજીક જઇ શકતો હોય તો તે માનવામાં કોઇ વિરોધ નથી. આપણા ઋષીઓએ એવી અનેક વાતો આપણને આપી છે અને ફક્ત આપી જ નથી પરંતું તેનુ નિર્માણ કર્યું છે અને આપણા સંસ્કારોમાં મુકી દીધી છે કે જેનું આજે પણ આપણે પાલન કરીએ છીએ અને આવનારી પેઠી પણ કરશે એમાં મને જરા પણ શંકા કે અવિશ્વાસ નથી.
આપણા પુરાણો અને ધર્મશાસ્ત્રો દ્વારા વિશ્વકર્મા માટે ઘણું લેખન કરવામાં આવેલ છે. પુરાણો અને વિવિઝ ધર્મગ્રંથોના આધારે વિચાર કરવામાં આવે તો વિશ્વકર્મ દ્વારા અનેક નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાન શ્રીરામ માટે સેતુ-નિર્માણ કરનારા વાનરરાજ નલ તેમના જ અંશમાંથી જન્મ્યા હતા ઇંદ્ર માટે ઇંદ્રલોક, સુતલ નામક પાતાળલોક, શ્રીકૃષ્ણજી માટે દ્વારકા નગરી, વૃંદાવન, પાંડવોની નગરી હસ્તિનાપુર અને ઇંદ્રપ્રસ્થ, ગુરુ ભવન, રાવણની સોનાની લંકોનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ હતું. અને તે સમયનું વિજ્ઞાન પણ કેટલું આગળ હશે કે પવનથી ચાલતું કુબેર અને રાવણનું વિમાન પુષ્પકનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ લ હતું. ઇંદ્રનું વજ્ર અને વિજય નામક ધનુષ્ય, યમરાજના કાલદંડની સાથે ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અને પશુપતિનાથના ત્રિશૂળનું નિર્માણ પણ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવેલ છે. દેવતાઓ માટે શસ્ત્રાસ્ત્ર, આભૂષણો, વિમાન
વિશ્વકર્મા પુરાણનું નિર્માણ વલ્લભરામ સુરજરામ દ્વારા કરવામાં આવેલ છે. તેમાં કુલ 21 અધ્યાયનો સમાવેશ કરવામાં આવેલ છે.
વિશ્વકર્માના નિર્માણ વિશે કે તેમની મહાનતા વિશે વાત કરવી એ મારો મુદ્દો નથી. આજના જમાનામાં પણ અનેક એન્જીનીયર  દ્વારા શ્રેષ્ઠ સર્જનો કરવામાં આવ્યા છે. તો માની શકાય કે વિજ્ઞાનના જાણકાર વિશ્વકર્મા અને પોતાને વારસામાં મળેલ શક્તિ તથા ઇશ્વરની અનન્ય ભક્તિ ચોક્કસ તેમને મહાન કાર્યો કરાવીને આપણા સો માટે ઇશ્વર બનાવી દીધા તેથી આજે તેમને નમસ્કાર કરવા એ ચોક્કસ આપણી કૃતજ્ઞતા જ છે.
પરંતુ આજે વિશ્વકર્મા સમાજ ખાસ કરીને લુહાર, પંચાલ, કડિયા વગેરે પોતાના કાર્યોમાં રજા રાખે અને એક સમય મિષ્ટાણ બનાવીને ભોજન આરોગે અને આરતી કરી ધન્યતા અનુભવે તો કદાચ વિશ્વકર્માને પણ ચોક્કસ આઘાત લાગતો જ હશે. મિત્રો વિશ્વકર્મમા ભાગવાન એટલે સર્જનના પ્રણેતા, સર્જનહાર....
હવે આપણે વિચારવાનું કે તેમના સંતાન આપણે શાનું સર્જન કરી રહ્યા છીએ.... આપણે આજે જો સાચા અર્થમાં તેમની જન્મજયંતિ ઉજવવી હોય અને પોતાને તેમના સંતાન માનવાના સાચા અધિકારી સમજતા હોય તો આપણે હવે સર્જન કરવાનો સમય છે. તેમને કરેલા સર્જનો આજે પણ અશક્ય છે અને આવનાર ભવિષ્યમાં શક્ય નહિ હોય તેવો મને વિશ્વાસ છે.
મિત્રો આજે આપણે સર્જન કરવાનું છે એક સશક્ત સમાજનું. આપણા સમાજની એકતાની સાથે અન્ય સમાજને સાથે લઇ ચાલવાનું. સમાજમા સતત પ્રસરી રહેલા અનેક દૂષણો દૂર કરીને શ્રેષ્ઠ સમાનનું સર્જન કરી શકીએ તો આપણે સાચા અર્થમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવાના હકદાર બનીશું. સમાજમાં પ્રત્યેક દિકરી માનભેર ફરી શકે તેવા વાતાવરણનું સર્જન કરીશું. અંધશ્રદ્ધાને વહેમોમાંથી સમાજને બહાર લાવીને સત્યની સાથે લઇ જઇ શકે એવા સમાજનું સર્જન કરીશું. આપણા સમાજનો એક પણ પરિવાર તકલીફમાં હોય તો તેને મદદ કરવાની ભાવનાનું સર્જન કરીશું. અહીં સમાજ એટલે મારે મન સમગ્ર  પ્રજાતિ આવે છે. સમાજના અંતિમ છેડા સુધી આપણે સંસ્કારોનું સર્જન કરી શકીએ તો સાચા અર્થમાં વિશ્વકર્મા જયંતિની ઉજવણી લેખે લાગે.
ચોક્કસ તેમના વિશાળ વ્યક્તિત્વને ન્યાય આપવાની શક્તિ મારી પાસે તો નથી જ. પરંતું જો એક માનવમાં માનવતાનું, સંસ્કારોનું, સમાનતાના ભાવનું, સર્વના વિકાસનું સર્જન કરવામાં મારો આ પ્રયત્ન કામ આવે તો પણ આનંદ થશે. હંમેશા યાદ રાખો ઉપર જણાવ્યા મુજ વિશ્વકર્માએ જેમ દેવો માટે નિર્માણ કર્યા છે તેમ રક્ષસવૃત્તિના લોકો માટે પણ પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્યો છે. આપણે પણ ભેદભાવ વગર આપણી કળાનો, વિશ્વકર્માના આશીર્વાદનો સાર્થક ઉપયોગ કરી ભેદભાવ રહિત સમાજનું નિર્માણ કરીએ. એવી વિશ્વકર્મા ભગવાનને પ્રાર્થના સાથે વંદન......


Comments

Post a Comment

Thanks A lots...