શ્યામજી કૃષ્ણવર્મા




જન્મ દિવસ    -       4 ઓક્ટોબર 1857
નિર્વાણ દિવસ  -       31 માર્ચ 1931 
જન્મસ્થળ       -       માંડવી, કચ્છ, ગુજરાત
માતાનું નામ    -       ગોમતીબાઇ
પિતાનું નામ    -       કરસનદાસ ( ભલો ભણસાળી )
 પત્ની           -       ભાનુમતીદેવી
 કાર્યક્ષેત્ર        -       ઉદેપુર રાજ્યના સલાહકાર, જુનાગઢના દિવાન
       શિક્ષણ          -       પ્રારંભિક શિક્ષણ માંડવીમાં, હાઇસ્કૂલનું શિક્ષણ ભુજમાં લીધું., કચ્છી શ્રીમંત મથુરદાસજી મુંબઇ લઇ ગયા, ગોકુળદાસ પારેખ શિષ્યવૃત્તિથી તેઓ વિલ્સન હાઇસ્કૂલમાં ભણ્યા, ત્યાંથી એલ્ફિસ્ટન હાઇસ્કૂલ, ઇગ્લેન્ડમાં બેરીસ્ટર થયા.
સ્વતંત્રતાનો વિજયનાદ એક દિવસમાં પ્રાપ્ત થતો નથી, સ્વતંત્રતાની વેદી તો કઠોર તપ અને આકરી અગ્નિપરીક્ષાનો માર્ગ છે....... આવો નિર્ધાર કરવાની શક્તિ મા ભરતીના પનોતા પુત્રમાં જ હોઇ શકે. દેશની સ્વતંત્રતા માટે સતત પ્રયત્નશીલ રહેનાર શ્યામજી કૃષ્ણવર્માને વંદન કરવાનો દરેક અવસર મારા માટે ઉત્સવ છે.
શ્યામજી કૃષ્ણવર્માને હું ભારતની સ્વતંત્રતાના સ્વતંત્રસેનાની કહું કે ક્રાંતિકકારી કહું કે તેમને હું પંડિત કહું સમજમાં આવે તેમ નથી પણ તમામ તેમના માટે સત્ય છે. અનેક મુસીબતોનો સામનો કરીને જીવનમાં આગળ વધેલ આ મુઠ્ઠી ઉંચેરા માનવ ( મારે મન તો મહામનવ ) ને વંદન. તેમના જન્મનો સમય એટલે 1857.... સમજી શકાય કે ભારતમાં ઘૂસેલા અંગ્રેજોને કાઢી મૂકવા માટે દેશ દ્વારા કરવામાં આવેલ પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનો એ સમય. અભિમન્યુની જેમ તેમણે પણ આ સંસ્કારોની અસર થઇ જ હશો તો જ આટલું વિરલ વ્યક્તિત્વ નિર્માણ કરી શકે... તકલીફ અને સમસ્યા કોને કહેવાય તેની તો આજની પેઢીને ખબર પણ નથી. બસ સોશિયલ મિડીયામાં સેલ્ફી અપલોડ ન થાય તો પણ સહન ન કરી શકે તેની પાસે દેશ સેવાની આશા તો શું કરી શકું.... પણ આપણે કરીશું તેમના રસ્તે ચાલીશું. એક દિવસ સફળ થઇશું અને સ્વતંત્ર ભારતનું નિર્માણ કરીશું.
ભેદભાવ વગરનું ભારત...
એક સાથે ચાલી શકે એવું ભારત...
સામાજિક સમરસતા વાળું ભારત...
દેશ માટે પ્રેમથી ભરેલા હ્રદયવાળું ભારત...
પોતાનો અવાજ ઉપાડી શકે એવું ભારત... ( પણ હા પોતાની વાત મનાવવા માટે રાષ્ચ્રને નુકશાન ન કરે )
સ્વતંત્ર ભારત...
સશક્ત ભારત.... આ જ તો સાચી શ્રદ્ધાંજલિ છે આ વીર શહીદને કે જેને મૃત્યું બાદ પણ અનેક વર્ષો પછી આ ભૂમિમાં આવવાનું સભાગ્ય મળ્યું.
બાળપણથી વાંચન અને ચિંતનનો શોખ ધરાવનાર આ બાળકે પોતાની 11 વર્ષની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલી. વારસામાં પણ સંસ્કાર સિવાય કોઇ સંપત્તિ નહિ કારણ ઘર ચલાવવા માટે પિતા મુંબઇ જઇ મજૂરી કરતા... આપે પણ શું..??? દાદીમા પાસે રહીને બાળપણ વીતાવ્યું. બાળપણમાં ગામમાં પધારેલ હરકુવરબાએ આ તેજસ્વી બાળકની સંસ્કૃત ભણવાની ભૂખ મિટાવીને સંસ્કૃત શીખવેલું.સાથે બે પુસ્તકો વિષ્ણુંસહસ્ત્રનામનો ગુટકો અને સુબોધ આપેલા. પરિશ્રમ કરનારને હિમાલય નડતો નથી એ તે કહી શકે કે જેને પોતાના અભ્યાસની ભૂખ સંતોષવા, જીવન વિકાસ કરવા માટે રાત-દિવસ એક કર્યા હોય. શ્યામજીએ પણ મ્યુનિસિપાલિટીના દિવા નીચે અભ્યાસ કરેલો જણાય છે.
જે છોડને ખિલવું હોય તેને યોગ્ય વાતાવરણ મળી જ રહે છે. આ બાળક પણ પોતાની શીખવાની, આગળ વધવાની, કંઇક કરવાની ધગશ અને પરિશ્રમને સહારે એક એક સીડી આગળ વધતો ગયો અને એક દિવસ ઇંગ્લેન્ડમાં જઇ બેરિસ્ટર બન્યો. મે આ વાત જેટલી સરળતાથી કહી એટલું સરળ તો નહિં જ બન્યું હોય ને....!!! ભાઇ દરેક કક્ષામાં પ્રથમ આવવું સામાન્ય વાત નથી અને ટેલેન્ટને તક ન મળે એવું પણ બનતું નથી. જેમ જેમ આગળ વધ્યા એમ એમ નવા સોપાન સર કરતા ગયા. તેમના જીવનથી મને ચોક્કસ વિશ્વાસ થઇ ગયો કે લક્ષ્મીને આવવું જ પડે છે જો સરસ્વતિનો સાથ હોય તો... ભણવા માટે જે વ્યક્તિ પાસે એક પૈસો નહોતો એ વ્યક્તિએ પોતાની ગણના લખપતિમાં કરાવી એટલું જ નહિ પરંતું ભારતમાં અને ભારતમાંથી ભણવા માટે વિદેશ આવતા યુવકો માટે અનેક શિષ્યવૃત્તિ પણ શરૂ કરી હતી. શ્યામજીકૃષ્ણ વર્મા નિસંતાન હતા. તેમને પણ ભારતના નવયુવાનોના અભ્યાસ માટે એ જમાનામાં એમણે ૯૦,૦૦૦ ફ્રાન્કનું દાન આપ્યું હતું. ફ્રાન્સમાં યુનિવર્સિટી ઓફ પેરીસમાં કૃષ્ણ વર્મા ફાઉન્ડેશન છે. ત્યાંની સંસ્કૃત લાઇબ્રેરી માટે એમણે અનુદાન આપ્યું હતું. આ તેમની વસિયત હતી. આપણે તો થોડી સંપત્તિ આવે કે ગગનમાં ઉડવા લાગીએ. જ્ઞાનની સાથે સ્વતંત્રતાનો દિપક પણ સળગાવ્યો અને જીવનપર્યંત તેને પ્રજ્વલ્લિત રાખ્યો.
હોશિયાર વિદ્યાર્થી તરીકે નામના મેળવી તે અંગ્રેજી શિક્ષણની સાથે વિશ્વનાથ શાસ્ત્રીની પાઠશાળામાં સંસ્કૃતમાં પારંગત થયા. પાણિનિના વ્યાકરણથી માંડીને શાંકરભાષ્ય સુધીનો અભ્યાસ કર્યો એ પણ કોઇ પણ પ્રકારની ગાઇડ, અપેક્ષિત કે ટ્યુંશન વગર... કમાલ તો એ છે કે મોનિયર વિલિયમ્સે ( જેમને શ્યામજીને પોતાના આસિસ્ટન તરીકે બોલાવેલા અને પછી સવા પાઉન્ડનું વેતન આપીને સહાયક બનાવેલા ) તેમના માટે કહેવું પડ્યું કે, હું તેમના સંસ્કૃતના જ્ઞાનથી મુગ્ધ છું, પાણિનિનું વ્યાકરણ તેમને મોઢે છે આવો પંડિત મેં યુરોપભરમાં જોયો નથી.  જ્ઞાનથી જગત આખું મેળવી શકાય છે તેમના મિત્રના પિતાજી છબીલદાસ શેઠે પોતાની દિકરી ભાનુમતિનો હાથ તેમને તેમની વિદ્યાના જોરે જ આપેલો. જે આજ સુધી સાથે રહ્યા. આજે પણ જિનિવાના સ્મશાનમાં બન્નેની સમાધિ એકબીજા પાસે જ છે.
        તેમના જીવનને નવો વળાંક આપ્યો સ્વામી દયાનંદ સરસ્વતિની મૂલાકાતે. તેમના સંપર્કમાં આવ્યા બાદ તેમને આર્યસમાજનો પ્રચાર કરવા લાહોર, બનારસ, પૂણે, અમદાવાદ, વડોદરા, ભરૂચ એમ આખા દેશમાં ભ્રમણ કર્યું છે. અને એ પણ દેશમાં સંસ્કૃત અને સેસ્કૃતિ માટે પ્રેમ વધે તે માટે. ભલભલા પંડિતો તેમના જ્ઞાનથી અંજાઇ જતા હતા. શું પ્રતિભા હશે તેની કલ્પના કરવી દુષ્કળ છે આપણા માટે તો... એક પરીક્ષા પાસ થયા કે જાણે અધિકારી બસ કમાવવા માટેજ તેનો ઉપયોગ... પણ શ્યામજીએ તેનો ઉપયોગ જ્ઞાન માટે જ કર્યો ધન્ય છે આ વ્યક્તિતિવને અને તેની જનેતાને. તેનું પ્રમાણ હતું રોયલ એશિયાટિક સોસાયટી કે જે સંસ્થા પ્રાચીન ઇતિહાસ માટે અધ્યયન અને સંશોધન માટે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યાં ભારતમાં લેખનકળાની શરૂઆત વિષય પર આપેલા ભાષણથી યુરોપીયનો પણ સ્તબ્ધ થઇ ગયેલા.
હવે શ્યામજીને રોકી શકે તેમ કોઇ ન હતું. પરંતું ગુલામીની જંજીરો તેમને કંઇક કરવા માટે સતત અવાજ કરતી હતી. એવામાં બાળ ગંગાધર ટિળક સાથેની મૂલાકાતે તેમના જીવનને નવો વળાંક આપ્યો. પરદેશમાં રહીને પણ ત્યાં યુવાનોને દેશની સ્વતંત્રતા માટે તૈયાર કરવાનો વિરાટ નિર્ણય કર્યો. પોતાના વિચારોને યુવાનો સુધી લઇ જવા તેમને હોમરૂલ સોસાયટી શરૂ કરી. પણ તેનાથી જે કરવું હતું તે થઇ શકે તેમ નહોતું. લડવા માટે હંમેંશા બે વાત જોઇએ – શસ્ત્ર અને શાસ્ત્ર.... શાસ્ત્ર તો હતું જ પણ શસ્ત્રની શોધ કરી અને ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું ભારતની સ્વતંત્રતા માટે પહેલું અખબાર ( હથિયાર ) શરૂ કર્યું. તેના પહેલા અંકમાં જ લખ્યું કે માણસની સ્વતંત્રતા એ સૌથી મોટી મહત્વની વાત છે બાકી બીજું પછી. કહેવાય છે કે અંગ્રેજ સરકારે આ અખબાર ભારત ન આવવા દેવા માટે અનેક પ્રયત્નો કરેલા.
સાવરકર, અય્યર તેમના સાથે રહીને સ્વતંત્રતાના પાઠ શીખેલા. શ્યામજીને સાથ મળ્યો તેમના મિત્ર સરદારસિંહ રાણાનો. 10 મે 1908 ના રોજ તેમને ઇન્ડિયા હાઉસમાં 1857 ના અનેક શહીદોને શ્રદ્ધાંજલિ આપી પણ એમાં એવી રજૂઆત કરાઇ કે દેશભાવના જાગ્યા વિના રહે જ નહિ. ત્યારે શ્યામજીએ કહેલું કે આપણે આઝાદીજંગની પ્રતિજ્ઞા લઇએ છીએ. વાયલીને મોતને ઘાટ ઉતારનાર મદનલાલ ધીંગરા પણ શ્યામજીકૃષ્ણ વર્મા પાસે રહેલા અને વાયલીની હત્યા માટે ટાઇમ્સ અખબારે શ્યામજીને જવાબદાર કહેલા. પણ તેઓ તેનો હિંમતપૂર્વક જવાબ પોતાના અખબાર દ્વારા આપેલો. ઇગ્લેન્ડમાં તેમના અખબાર પર પ્રતિબંધ જણાતા તેઓ ફ્રન્સના પેરિસ માં ગયા ત્યાં મેડમ કામાનો સાથ મળ્યો. શ્યામજી અંગ્રેજ સરકાર માટે મથાનો દુખાવો બની ગયા હતા તેથી તેમને રાજદ્રોહી કહેવામાં આવેલા. ત્યાર બાદ તેઓ જિનિવા ગયા. અને જિનિવામાં જ તેમને અંતિમ શ્વાસ લીધો.
તેમની અંતિમ ઈચ્છા પોતાના અસ્થિ સ્વદેશ લઇ જવાની હતી. ગુજરાત સરકારે ૨૦૦૩માં અસ્થિ ગુજરાત લાવવામાં આવ્યા. દેશના મહાન ક્રાંતિકારી, રાષ્ટ્રરત્ન અને ગુજરાતના ગૌરવવંતા પુત્ર શ્યામજી કૃષ્ણવર્મા ઈ.સ. ૧૮૫૭ના બળવા પછી ક્રાંતિની મશાલની જ્યોત જલતી રાખવામાં આપણા ક્રાંતિકારીઓનો ફાળો અગ્રીમ રહ્યો છે. જિનિવાથી જેમના અસ્થિ ભારત લવાયા બાદ માંડવી ખાતે ક્રાતિ તીર્થ એ તેમનું સ્મારક ધામ બન્યું. ક્રાતિ તીર્થ જેવી સ્‍મૃતિ ભેટ કચ્‍છની જનતાને અર્પણ કરવામાં આવી છે
આવા વીરને વંદન કરવા એ જીવનનો આનંદ છે. આપણે અનેક વાર કચ્છનો પ્રવાસ કરીએ, માંડવીના દરિયામાં સ્નાન કરીએ તો ક્યારેક સમય લઇ આ ક્રાંતિકારીને મળવા પણ જઇશું તો તેમના મનને આનંદ થશે....

Download_શ્યામજી કૃષ્ણવર્મા_PDF



Comments